Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રેપો રેટ જાળવી રાખતા લોકોને EMI ઉપર કોઈ રાહત નહીં

આરબીઆઈની એમપીસીની બેઠક પૂર્ણ : પાંચમી એપ્રિલે ચાલુ થયેલી બેઠકના પરિણામોની ઘોષણા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી

નવી દિલ્હી, તા. ૭ : ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની ૩ દિવસીય બેઠક બુધવારે પૂરી થઈ હતી. ભારતીય રિઝર્વ બેંકે વ્યાજના દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ કારણે લોનના ઈએમઆઈ પર વધુ રાહત નહીં મળે. રિઝર્વ બેંકે રેપો રેટને ૪ ટકા જાળવી રાખ્યો છે.

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, એમપીસીની ૩ દિવસીય બેઠક ૫ એપ્રિલે ચાલુ થઈ હતી. શક્તિકાંત દાસે જણાવ્યું કે, કોરોનાનો પ્રસાર વધી રહ્યો છે તેમ છતા અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે. જો કે, જે રીતે હાલ કેસ વધ્યા છે તેનાથી થોડી અનિશ્ચિતતા વધી છે પરંતુ ભારત પડકારોનો સામનો કરવા તૈયાર છે. ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી ૫ ટકાની ઉંચાઈ પર રહી તેમ છતા તે રિઝર્વ બેંકની સુવિધાજનક સીમાની અંદર જ છે.

રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટ પણ ૩.૩૫ ટકા જાળવી રાખ્યો છે. રેપો રેટ એટલે એવો દર જેના પર બેંકોને રિઝર્વ બેંક પાસેથી ઉધાર મળે છે. જ્યારે રિવર્સ રેપો રેટ એટલે રિઝર્વ બેંક પોતાના પાસે પૈસા જમા કરાવવા પર બેંકોને જે વ્યાજ આપે તે.

કોરોનાના કેસ વધી રહ્યા છે તેમ છતા રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે જીડીપી ગ્રોથનું અનુમાન ૧૦.૫ ટકા જાળવી રાખ્યું છે. એમપીસીએ પાછલી જાહેરાતમાં પણ જીડીપી માટે આ અનુમાન બહાર પાડ્યું હતું.

(8:03 pm IST)