Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનવાન બની ગયા

અબજોપતિઓની સંખ્યા મુદ્દે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે : વિશ્વમાં ભારત કરતા વધારે અબજોપતિઓ ફક્ત અમેરિકા અને ચીનમાં છ, ભારતમાં સંખ્યા વધીને ૧૪૦ થઈ ગઈ

નવી દિલ્હી, તા. ૭ : વિશ્વમાં સૌથી વધારે અબજોપતિઓની સંખ્યા મામલે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. એટલું જ નહીં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિનો તાજ ચીનના જૈક મા પાસેથી છીનવી લીધો છે. જેફ બેજોસ સતત ચોથા વર્ષે પણ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

ફોર્બ્સ મેગેઝીનની નવી યાદીમાં આ વિગતો સામે આવી છે. હવે વિશ્વમાં ભારત કરતા વધારે અબજોપતિઓ ફક્ત અમેરિકા અને ચીનમાં છે. ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને ૧૪૦ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ૧ વર્ષ પહેલા અલી બાબાના ફાઉન્ડર જૈક મા એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ હતા.

ભારત અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના ૧૦મા નંબરના ધનવાન વ્યક્તિ છે. તેમની કુલ નેટવર્થ ૮૪.૫ અબજ ડોલર છે. અદાણી સમૂહના ગૌતમ અદાણી ભારતના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ અને વિશ્વના ૨૪ નબંરના અબજોપતિ બની ગયા છે. તેમની નેટવર્થ આશરે ૫૦.૫ અબજ ડોલર છે.

ફોર્બ્સની ૩૫મી વાર્ષિક અબજોપતિઓની યાદી પ્રમાણે એમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ જેફ બેજોસ હજુ પણ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે. તેઓ સતત ચોથા વર્ષે પણ ટોચ પર છે અને તેમની કુલ નેટવર્થ ૧૭૭ અબજ ડોલર છે. તેમાં એક વર્ષ પહેલાની સરખામણીએ ૬૪ અબજ ડોલરનો વધારો થયો છે. બીજા ક્રમે સ્પેસ એક્સના ફાઉન્ડર અને ઈલેક્ટ્રિક કાર માટે પ્રખ્યાત એલન મસ્કનું નામ આવે છે. તેમની નેટવર્થ વધીને ૧૫૧ અબજ ડોલર થઈ ગઈ છે. એક વર્ષ પહેલાની સરખામણીએ તેમાં ૧૨૬.૪ અબજ ડોલરનો જોરદાર વધારો થયો છે.

(8:01 pm IST)