Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ભાજપે મુલાયમસિંહની ભત્રીજી અને ધર્મેન્દ્ર યાદવના બહેન સંધ્યા યાદવને જિલ્લા પંચાયતની ટિકિટ આપી

સંધ્યા યાદવે અવિશ્વાસ દરખાસ્ત વેળાએ ભાજપ સાથે તાલમેલ કરીને અધ્યક્ષ પદ બચાવ્યું હતું

નવી દિલ્હી : ભાજપે સમાજવાદી પાર્ટી (સપા) પરિવારમાં ઘૂસણખોરી કરી દીધી છે. ભાજપે પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની ભત્રીજી સંધ્યા યાદવને જિલ્લા પંચાયતની ટિકિટ આપી છે. સંધ્યા યાદવને ઘિરોરના વોર્ડ નંબર 18થી જિલ્લા પંચાયત સદસ્ય પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સંધ્યા યાદવ પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવના બહેન છે અને નિવર્તમાન જિલ્લા પંચાયત અધ્યક્ષ છે.

સંધ્યા યાદવ પાછલી વખતે સમાજવાદી પાર્ટીથી જિલ્લા પંચાયતનું અધ્યક્ષ પદ જીત્યા હતા. એવું કહેવામાં આવે છે કે, સમાજવાદી પાર્ટીના મુખ્ય ધારાસભ્યના ઈશારા પર તેમના વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો અને તે સમયે ભાજપે તેમની મદદ કરી હતી. સંધ્યા યાદવના પતિ પહેલેથી જ ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે અને ભાજપે હવે સંધ્યા યાદવને ટિકિટ આપી છે.

સંધ્યા યાદવ 2015માં મૈનપુરીથી જિલ્લા પંચાયતના અધ્યક્ષ બન્યા હતા. જુલાઈ 2017માં સપાએ જ તેમના વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી દીધો હતો. તેના પાછળ સંધ્યા યાદવના પતિ અનુજેશ પ્રતાપ યાદવે ફિરોજાબાદમાં ભાજપને સમર્થન આપ્યું તે કારણ દર્શાવવામાં આવ્યું હતું.

સંધ્યા યાદવ વિરૂદ્ધના અવિશ્વાસના પ્રસ્તાવ પર કુલ 32 જિલ્લા પંચાયત સદસ્યોમાંથી 23ના હસ્તાક્ષર હતા. બાદમાં તેમણે ભાજપના સાથે સાંઠગાંઠ કરીને જિલ્લા પંચાયત અધ્યક્ષ પદની પોતાની ખુરશી બચાવી હતી. ત્યારથી તેઓ ભાજપના નજીક આવ્યા હતા અને પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો.

(1:07 pm IST)