Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

બીડમાં એક ચિતા પર કોરોનાથી મૃત્યુ પામનારા ૮નાં અગ્નિદાહ

બીજી લહેરના કારણે બીડ જિલ્લાનું તંત્ર મુશ્કેલીમાં : ઝડપથી અંતિમ સંસ્કાર પૂરા કરવા માંડવા રોડ સ્મશાન ભૂમિમાં તમામ ૮ મૃતકોની એક સાથે ચિતા ગોઠવી દીધી

નવી દિલ્હી, તા. ૭ : મહારાષ્ટ્રના બીડ જિલ્લાનું પ્રશાસન કોરોનાની બીજી લહેરના કારણે ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. મંગળવારે કોરોનાના કારણે મૃત્યુ પામેલા ૮ લોકોના મૃતદેહને એક જ ચિતા પર અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ ઘટના બીડ જિલ્લાના અંબાજોગાઈ ખાતે બની હતી અને તેને લઈ લોકોમાં પ્રશાસન વિરૂદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાણવા મળ્યા મુજબ પ્રશાસને મૃતકોના પરિવારજનોને સામૂહિક ચિતા અંગે કોઈ માહિતી નહોતી આપી. બીડનું અંબાજોગાઈ હાલ જિલ્લામાં કોરોનાનું હોટસ્પોટ બનેલું છે. શહેર પરિસરમાં મંગળવારે ૧૬૧ નાગરિકો કોરોના સંક્રમિત નોંધાયા હતા. ત્યાંની સ્વામી રામાનંદ તીર્થ હોસ્પિટલમાં ૭ અને લોખંડી કોવિડ કેર સેન્ટરમાં એક દર્દીનું મોત થયું હતું. નગર નિગમ પ્રશાસને શક્ય તેટલી ઝડપથી અંતિમ સંસ્કાર પૂરા કરવા માંડવા રોડ સ્મશાન ભૂમિમાં તમામ ૮ મૃતકોની એક સાથે ચિતા ગોઠવી દીધી હતી અને સામૂહિક રીતે અગ્નિદાહ આપી દીધો હતો.

તમામ મૃતકો ૬૦ વર્ષ કરતા વધારે ઉંમરના હોવાનું કહેવામાં આવે છે અને તેમાં એક મહિલાનો મૃતદેહ  પણ સામેલ હતો. અગ્નિદાહનો ફોટો વાયરલ થતા જ જિલ્લાના લોકોમાં પ્રશાસન પ્રત્યે ક્રોધ જાગ્યો હતો. માર્ચ મહિના સુધી અંબાજોગાઈમાં ફક્ત ૧ હજાર કોરોના સંક્રમિત નોંધાયા હતા પરંતુ છેલ્લા ૪ દિવસમાં ૩૦૪થી વધારે સંક્રમિત મળી આવ્યા છે. થોડા દિવસ પહેલા અંબાજોગાઈમાં કોરોના પોઝિટિવ લોકો બજારમાં ફરતા પકડાયા ત્યારથી તે ચર્ચામાં છે.

(8:06 pm IST)