Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

નાના વેપારીઓએ અગાઉ અપલોડ કરેલા ઇનવોઇસ રિટર્ન વખતે તપાસવા પડશે

ત્રિમાસિક રિટર્નમાં ઇનવોઇસ ઓટો પોપ્યુલેટેડની જાહેરાત કરાઇ હતી : છેલ્લી ઘડીએ ઓટો પોપ્યુલેટેડના બદલે વેપારીઓને માથે જ જવાબદારી

મુંબઇ,તા. ૭: નાના વેપારીઓને ત્રિમાસિક રિટર્ન ભરવાની છૂટ તો આપવામાં આવી પરંતુ ત્રણ મહિના બાદ રિટર્ન ભરતી વખતે પહેલા કરતા વધુ માથાફૂટ કરવી પડે તેવો નિર્ણય જીએસટી વિભાગે લીધો છે. કારણ કે દર મહિને ઇનવોઇસ ફર્નિશિંગ ફેસિલિટી (આઈએફએફ) હેઠળ ઇનવોઇસ અપલોડ કર્યા બાદ ત્રણ મહિના પછી રિટર્ન ભરતી વખતે અગાઉ ભરેલા આઈએફએફ બરાબર છે કે નહીં તે ઓટો પોપ્યુલેટેડ થવાને બદલે વેપારીએ જાતે તપાસ કરવાનો નિર્ણય કરાયો છે.

જીએસટી લાગુ થયા બાદ વેપારીઓને રાહત આપવાની ફકત વાતો જ કરવામાં આવી રહી છે. કારણ કે પાંચ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનારા વેપારીઓને ત્રિમાસિક રિટર્ન ભરવાની છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી અને તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ જાહેરાત કરવામાં આવી ત્યારે દર મહિને વેપારીએ આઇએફએફ જીએસટી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. જેથી ત્રણ મદિના પછી વેપારી જયારે રિટર્ન ભરે ત્યારે તેઓએ અગાઉ ભરેલા રિટર્ન ઓટો પોપ્યુલેટેડ થઇ જાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે જીએસટી વિભાગ તે નિર્ણયમાંથી હાથ અધ્ધર કરી દીધા છે. તેમજ ત્રણ મહિના પછી જયારે વેપારી રિટર્ન ભરવા બેસે ત્યારે અગાઉના બે મહિનાના અપલોડ કરેલા આઇ એફએફની પુરતી ચકાસણી કરવાની રહેશે. ત્યારપછી જ નવા ઇનવોઇસ અપલોડ થશે. જેથી વેપારીએ અગાઉ ઇનવોઈસ અપલોડ કરવાની કરેલી તમામ મહેનત ફરીથી કરવાની રહેશે. જીએસટી વિભાગના આ નિર્ણયને કારણે વેપારીઓની જવાબદારીમાં વધારો થવાની સાથે કચવાટ પણ જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નાના વેપારીઓને સુવિધા આપવાની વાતો કરવાના બદલે જીએસટી વિભાગને તેઓ પાસેથી દંડ વસૂલ કરવામાં જ વધારે રસ હોય તેવું ચિત્ર હાલ તો ઉપસી રહ્યું છે. કારણ કે ઇનવોઈસ ઓટો પોપ્યુલેટેડ થવાની જાહેરાત કર્યા બાદ છેલ્લી ઘડીએ પોતાના જ નિર્ણયમાં યૂ ટર્ન લેવામાં આવતા વેપારીઓની તકલીફમાં વધારો થયો છે.

(10:12 am IST)