Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ચીને લશ્કર પાછુ ખેંચ્યા પછી વ્યાપારીક સંબંધો શરૂ કરવા કવાયત

ચીનના ૪૫ રોકાણ પ્રસ્તાવોને મંજૂરીની શકયતા : અત્યારે લગભગ ૧૫૦ પ્રસ્તાવો અભેરાઇએ ચડાવી દેવાયા છે

નવી દિલ્હીઃ લદાખના પેન્ગોંગ સરોવાર પર જામેલ ભારત-ચીનના સંબંધોનો બરફ ઓગળવાની સાથે જ હવે રોકાણના દ્વારો ખુલવા લાગ્યા છે. સરહદ પર બંને દેશો વચ્ચેની તંગદિલી દરમ્યાન વ્યાપારિક સંબંધોમાં આવેલી ખટાશ પછી ચીનના લગભગ ૪૫ પ્રસ્તાવોને ટુંક સમયમાં મંજૂરી મળવાના અણસાર છે. સુત્રો અનુસાર, આમ તો છેલ્લા એક વરસથી ચીનના લગભગ બે અબજ ડોલરના ૧૫૦ રોકાણ પ્રસ્તાવો અભેરાઇએ ચડાવી દેવાયા છે.

પ્રથમ તબક્કામાં ઓટોમોબાઇલ, ઇલેકટ્રોનિકસ, કેમીકલ અને ટેક્ષટાઇલ સેકટરમાં મંજૂરી મળી શકે છે જો કે ડેટા, ફાઇનાન્સ અને ભારતની સુરક્ષા અંગેના સંવેદનશીલ સેકટરોમાં હાલ તો કોઇ મંજૂરી નહીં અપાય. કેન્દ્રિય ગૃહ મંત્રાલયની અંતર વિભાગીય સમિતિએ હોંગકોંગ દ્વારા આવનારા અમેરિકા, દક્ષિણ કોરીયા અને જાપાનના રોકાણોમાં ચીની સંબંધ હોવાની શંકા વ્યકત કરી છે. એટલે હોંગકોંગથી આવનારા રોકાણોની તપાસ કરવામાં આવી રહી છે.

(2:41 pm IST)