Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

સ્કૂલો દ્વારા ઓનલાઈન શિક્ષણમાં ધાંધિયા

સરકારે શાળાઓમાં સ્વૈચ્છિક હાજરીની મંજુરી આપી છે, પણ... :છાત્રોને સ્કૂલે આવવા પરોક્ષરૂપે ફરજ પડાઈ રહી છેઃ ઘણી સ્કૂલો ઓફલાઈન કરતા ઓનલાઈન અડધું ભણાવે છેઃ તંત્રએ સંચાલકોના 'ખેલ' અંગે તત્કાળ તપાસ કરવી જરૂરીઃ સરકારે ગંભીર નોંધ લીધી

રાજકોટ, તા. ૨૨ :. મહામારી કાળમાં સરકારે સ્કૂલો શરૂ કરવા મંજુરી આપી દીધી છે. જો કે વિદ્યાર્થીઓ માટે દરરોજ સ્કૂલે જવુ ફરજિયાત નથી. સરકારે સ્વૈચ્છિક હાજરીનો અધિકાર આપ્યો છે. સ્કૂલે હાજર રહેવા ન ઈચ્છતા વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે છે. દરેક સ્કૂલ માટે ઓનલાઈન શિક્ષણ ફરજિયાત બનાવ્યુ છે.

એવી ફરિયાદો મળી છે કે, રાજકોટમાં અમુક સ્કૂલ સંચાલકોએ એવી સ્થિતિ સર્જી છે કે, છાત્રોએ દરરોજ ફરજિયાત સ્કૂલે જવુ પડે છે. અમુક સ્કૂલોમાં અમુક કલાસનો ઓનલાઈન અભ્યાસ સદંતર બંધ રહ્યો છે. જ્યારે અમુક સ્કૂલ સંચાલકો ઓફલાઈન અભ્યાસ કરતા ઓનલાઈન અડધો જ અભ્યાસ કરાવે છે. આ કારણે છાત્રોએ ફરજિયાત સ્કૂલે જવું પડે છે. સરકારી નિયમોનો ભંગ થઈ રહ્યો છે.

આ અંગે શિક્ષણ તંત્રએ તત્કાળ તપાસ કરવા વાલીઓએ માંગણી પુરેપુરા કલાસ વ્યવસ્થિત અને નિયમિત ઓનલાઈન ચાલુ થાય તે માટે કડકાઈથી ફરજ પાડવી જોઈએ.

અનેક રાજ્યોમાં ફરીથી કોરોના ફેલાયો છે. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સ્કૂલો ફરીથી બંધ કરવા આદેશ અપાયા છે. ગુજરાતમાં પણ મહામારીના ઉથલાનું જોખમ મંડાયુ છે. આ સમયે વધારે સાવધાની જરૂરી છે, પરંતુ રાજકોટમાં સરકારે જાહેર કરેલા નિયમોનો પણ અમુક સ્કૂલ સંચાલકો ઉલાળિયો કરે છે. આ સામે સખત બનવા વાલીઓએ માંગણી કરી છે.

આ અંગે રાજ્ય સરકારને પણ રજૂઆત કરાયાનું જાણવા મળે છે. રાજ્ય સરકારે આ મુદ્દે ગંભીર નોંધ લીધાનું જાણવા મળે છે.

(3:45 pm IST)