Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

નવી શિક્ષણનીતિ : હવે માતૃભાષામાં થઇ શકશે મેડિકલનો અભ્યાસ : મોદી સરકારે આપ્યું મહત્વ

ઉચ્ચ શિક્ષણ સુધીનો સંપૂર્ણ અભ્યાસક્રમ પોતાની માતૃભાષામાં કરાવી શકે છે

નવી દિલ્હી ; ભારતીય વિદ્યાર્થીઓ આગામી શૈક્ષણિક સત્રથી પોતાની માતૃભાષામાં અભ્યાસ કરશે. નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શૈક્ષણિક સત્ર 2021થી શાળાઓ પાંચમા ધોરણ સુધી ફરજિયાતપણે અને રાજ્ય ઈચ્છે તો આઠમા ધોરણ સુધી પોતાની માતૃભાષામાં અભ્યાસ કરાવી શકશે

પસંદગીના IIT અને NIT વિદ્યાર્થીઓને પોતાની માતૃભાષામાં B. Tech પ્રોગ્રામના અભ્યાસની તક મળી રહી છે.

ખાસ વાત એ છે કે, હવે મેડિકલનો અભ્યાસ પણ માતૃભાષામાં કરાવવાની યોજના તૈયાર થઈ રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકના કહેવા પ્રમાણે વડાપ્રધાન મોદીના દિશા-નિર્દેશો અંતર્ગત મેડિકલ અને એન્જિનિયરીંગનો અભ્યાસ માતૃભાષામાં થશે. તેનો ઉદ્દેશ્ય આંતરિયાળ વિસ્તારની સરકારી શાળામાં ભણેલા વિદ્યાર્થીઓને આગળ વધારવાની સાથે તેના માધ્યમથી તે ભાષાને ઓળખ અપાવવાનો છે

વૈજ્ઞાનિકોના વિશ્લેષણના આધાર પર યુનેસ્કોએ પણ પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં જ થવું જોઈએ તેમ સ્વીકાર્યું હતું. અને તેના આધાર પર જ નવી શિક્ષણ નીતિમાં જોગવાઈ કરવામાં આવી છે. બાળકોની પ્રતિભાને માતૃભાષા દ્વારા જ નિખારી શકાય છે. બંગાળી, કન્નડ, પંજાબી, તમિલ, તેલુગુ, ગુજરાતી, રાજસ્થાની સહિતની 22 ભાષાઓની પોતાની એક અલગ ઓળખ છે જે વિવિધતામાં એકતા દર્શાવે છે. રાજ્ય સરકાર ઈચ્છે તો શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીનો સંપૂર્ણ અભ્યાસક્રમ પોતાની માતૃભાષામાં કરાવી શકે છે

ભારતીય ભાષાઓને લુપ્ત થતી બચાવવા માટે 2021ના કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ અને અનુવાદ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આ માટે દેશના અનેક શહેરોમાં કેન્દ્ર બનાવવામાં આવશે. તેમાં 22 ભારતીય ભાષાઓ સિવાયની ક્ષેત્રીય અને લુપ્ત થતી ભાષાઓ પર સંશોધન કરી તેને ઓળખ અપાવવાનું કામ થશે.

(12:00 am IST)