Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજધર્મની યાદ અપાવી : સરકારની પસંદગી લોકોનો ભાર ઓછો કરવા માટે કરાય છે, ન કે તેમના હિતો પર ઘાત કરવા માટે :સોનિયા ગાંધી

નવી દિલ્હી, તા. ૨૧ : પેટ્રોલ-ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવ પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે એક્સાઇઝ ડ્યૂટી ઓછી કરીને સામાન્ય જનતાને રાહત આપવી જોઈએ. આ સિવાય પાછલી સરકારો પર આરોપ નહીં લગાવવાની ચેતવણી પણ આપી છે. સોનિયા ગાંધીએ આગળ સવાલ કર્યો કે સરકાર રેટ વધારવાના પોતાના પગલાને યોગ્ય કેમ ગણાવી શકે છે? સોનિયા ગાંધીએ પત્રમાં સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઓછી કરી રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી છે.

પત્રમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લખ્યું છે, 'સરકારની પસંદગી લોકોનો ભાર ઓછો કરવા માટે કરવામાં આવે છે, ન કે તેમના હિતો પર ઘાત કરવા માટે. હું તમને આગ્રહ કરુ છું કે તમે ઈંધણની કિંમતોમાં તત્કાલ કમી કરી કાચા તેલની કિંમતોનો લાભ, મધ્યમ વર્ગ, પગારદાર વર્ગ, કિસાનો, ગરીબો અને સામાન્ય જનતાને આપો. આ લોકો લાંબા સમયથી અભૂતપૂર્વ આર્થિક મંદી, ચારેતરફ બેરોજગારી, વેતનમાં ઘટાડો અને નોકરીઓ ગુમાવવાને કારણે ભયાનક સંઘર્ષના સમયમાંથી પસાર થઈ રહ્યાં છે.'

પત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે મોદી સરકારના લગભગ સાત વર્ષ પૂરા થઈ ગયા છે પરંતુ હજુ પણ એનડીએ સરકાર પોતાના આર્થિક મિસમેનેજમેન્ટ માટે પાછલી સરકારોને દોષી ઠેરવે છે. આગળ દાવો કરવામાં આવ્યો કે, દેશમાં ૨૦૨૦મા કાચા તેલનું ઉત્પાદન છેલ્લા ૧૮ વર્ષના ન્યૂનતમ સ્તર પર છે. આગળ લખ્યું છે, સાચી વાત તે છે કે કાચા તેલની આ કિંમતો યૂપીએ સરકારના કાર્યકાળથી લગભગ અડધી છે. તેથી છેલ્લા ૧૨ દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કરવામાં આવેલ વધારો, સ્પષ્ટપણે નફાખોરીનું ઉદાહરણ છે. સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું છે, 'એલપીજીના સબ્સિડી વગરના રસોઈ ગેસની કિંમતો દિલ્હીમાં ૭૬૯ રૂપિયા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં ૮૦૦ રૂપિયાને પાર કરી ગઈ છે. આ એટલા માટે નિર્દયતાપૂર્ણ છે કારણ કે તેનાથી દરેક ઘર પ્રભાવિત થાય છે. સરકારની પાસે ડિસેમ્બર ૨૦૨૦થી લઈને અત્યાર સુધી અઢી મહિનામાં પ્રત્યેક સિલિન્ડરની કિંમત ૧૭૫ રૂપિયા વધારી દેવી શું યોગ્ય છે.'

(12:00 am IST)