Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કોરોના-લોકડાઉન દરમ્યાન

ધાર્મિક સ્થળો બંધ થતા ટેકસી-ટેમ્પો-રીક્ષા ચાલકોની ઝડપને અચાનક 'બ્રેક' લાગી ગઇ

દેશના વિવિધ તીર્થસ્થાનો ખાતે હજ્જારો ટેકસી-ટેમ્પો-રીક્ષા ચાલકો માટે જીવનનિર્વાહ ચલાવવો મુશ્કેલ : દૈનિક આવકમાં ૮૦ ટકા જેટલો ભારે ઘટાડો થયો : રાજસ્થાનના પ્રખ્યાત મંદિર માતા રાણી ભટીયાણી, નાકોડા જેવા મોટા ધાર્મિક સ્થળો ખાતે ચાલકોની હાલત ખરાબ

રાજકોટ તા. ર૯ : ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અને લાખો લોકો મૃત્યુ પામ્યા છે. તથા કોરોડો લોકો  કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોના ગ્રસ્ત લોકો આઇસોલેટેડ થઇને સારવાર લઇ રહ્યા છે. અને હોસ્પિટલમાંથી સારવાર લઇને સાજા પણ થઇ રહ્યા છે. કોરોના સામેની તકેદારીરૂપે લોકો કવોરન્ટાઇન થઇ રહ્યા છે. અને ભારતના વિવિધ રાજયોમાં સમય-સંજોગો મુજબ સતત લોકોડાઉન તથા વિવિધ છૂટછાટો સાથેનું 'અનલોક' પણ જોવા મળી રહ્યું છે.

વૈશ્વિક મહામારી  COVID 19 સંદર્ભેની આવી પરિસ્થિતિ વચ્ચે પ્રવાસન ઉદ્યોગને મરણતોલ ફટકો લાગ્યો છે. અબજો-ખરબો રૂપિયાનું નુકશાન થયું છે અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલ લોકોનો હાલત રીતસર કફોડી બની ગઇ છે. બસ-ટ્રેઇન-પ્લેન દ્વારા પેકેજીસ લઇ જતા ટૂર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટસનો બિઝનેસ સદંતર ઠપ્પ થઇ ગયાનું જોવા મળે છે.

કોરોના તથા લોકડાઉન દરમ્યાન ગુજરાત તથા ભારતના વિવિધ ધાર્મિક સ્થળો બંધ થવાને કારણે સમગ્ર દેશનાં હજ્જારો ટેકસી-ટેમ્પો તથા રીક્ષા ચાલકો માટે પોતાનો તથા પરિવારનો જીવનનિર્વાહ ચલાવવો મુશ્કેલ બની ગયો છે. એક રીતે જોઇએ તો ટેકસી-ટેમ્પો તથા રીક્ષા ચાલકોની જીંદગીની ઝડપને અચાનક બ્રેક લાગી ગઇ છે. દેશના વિવિધ તીર્થસ્થાનો ખાતે સામાન્ય દિવસોમાં દરરોજ લાખો શ્રદ્ધાળુ લોકોને સેવા આપતા ટેકસી-ટેમ્પો-રીક્ષા ચાલકોની દૈનિક આવકમાં હાલમાં ૮૦ ટકા જેટલો ભારે ઘટાડો થયો હોવાનું જોવા મળે છે.

ચાલકોની આવકમાં થયેલ ધરખમ ઘટાડાનું ગણિત સમજીએ તો રાજસ્થાનના જાસોલથી બાલોતરા તથા નાકોડાની વચ્ચે અંદાજે ૧પ૦ થી પણ વધુ ટેકસી-ટેમ્પો ચાલી રહ્યા છે. વ્યકિતદીઠ દસ રૂપિયા લેતા એક ટેમ્પો ચાલક દિવસ દરમ્યાન પ૦૦ થી ૧૦૦૦ રૂપિયા આરામથી કમાઇ લેતા હતા  એજ ટેમ્પો ચાલક હાલમાં લોકડાઉનને કારણે તીર્થસ્થાનો બંધ હોવાથી માત્ર ર૦૦ રૂપિયા પણ માંડ કમાતા હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં બે ટંકનુંભોજન પણ મેળવવું મુશ્કેલ બની શકે છે. ચાલકે જેમ-તેમ કરીને પોતાના જીવન નિર્વાહના બે છેડા ભેગા કરી રહ્યા છે.

રાજસ્થાનના પ્રખ્યાત મંદિર માતા રાણી ભટીયાણી તથા નાકોડા જેવા મોટા ધાર્મિક સ્થળો ખાતે ટેકસી-ટેમ્પો ચાલકોની હાલત ઘણી જ ખરાબ હોવાનું જાણવા મળે છે. માતા રાણી મંદિર જસોલ ખાતે રાજસ્થાન સહિત ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વિગેરે વિવિધ રાજયોમાંથી હજ્જારો શ્રદ્ધાળુઓ માતા રાણીના દર્શન કરવા માટે આવે છે. પરંતુ છેલ્લા અઢી મહિનાથી મંદિર બંધ હોવાથી ટેકસી-ટેમ્પો ચાલકોની કમાણી સાવ ઘટી ગઇ છે. જસોલના ટેમ્પો ચાલક મુખ્તીયાર ખાં જણાવે છે કે છેલ્લા અઢી મહિનાથી તેનો ટેમ્પો ઘરે બંધ હાલતમાં પડ્યો છે. ઘણી વખત તો વાહન બંધ પડયું હોય તો પણ મેઇન્ટેનન્સ તો આવતુ જ હોય છે. જસોલના ટેમ્પો યુનિયનના અધ્યક્ષ કાલુ ખાં કહે છે કે માતા રાણી મંદિર ફરીથી અને જલ્દીથી ખૂલે તો ટેમ્પો ચાલકોની પરિસ્થિતિમાં સુધારો આવી શકે. ચાલકોની રોજીરોટીનું સંકટ વહેલાસર દૂર થાય તે ઇચ્છનિય છે.

ગુજરાત તથા ભારતના અન્ય તીર્થસ્થાનો ઉપર પણ ટેકસી-ટેમ્પો તથા રીક્ષા ચાલકોની સ્થિતિ લોકડાઉન દરમિયાન ઘણી ખરાબ હોવાનું જોવા મળે છે. વ્યકિતદીઠ દસથી વીસ રૂપિયામાં ચાલતા બંધ બોડીના છકડા રીક્ષા-શટલ રીક્ષાની ફળફળાટી અને ઘર-રે-રાટી વિવિધ ધાર્મિક સ્થળોના રસ્તાઓ તથા શેરીઓમાં સંભળાતી જ સાવ બંધ થઇ ગઇ છે.

જલ્દીથી કોરોનાનો કહેર ઓછો થઇ જાય અને ફરી પાછા શ્રધ્ધાળુઓ દેશના વિવિધ તીર્થસ્થાનો ઉપર આસ્થાભેર ઉમટી પડે અને સર્વે લોકોને રોજીરોટી મળી રહે તેવા સમયની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે.

ગુજરાત તથા દેશના વિવિધ ધાર્મિક સ્થળો

 સોમનાથ

 અંબાજી

 શ્રીનાથદ્વારા

 દ્વારકા

 ચોટીલા

 વીરપુર

 ભવનાથ

 હરીદ્વાર

 ગોકુળ-મથુરા

 શીરડી

 તિરૂપતિ બાલાજી

 માતા વૈષ્ણોદેવી

 ખોડલધામ

 વિવિધ સ્થળોએ

આવેલ બધાં

સ્વામિનારાયણ

મંદિરો તથા

મહાપ્રભુજીની બેઠક

 સાળંગપુર

 જગન્નાથપુરી

 કામખ્યા માતાજી  મંદિર

 પરબધામ

 સત્તાધાર

 પાલીતાણા

તમામ જ્યોતિર્લિંગ

 અજમેર શરીફ દરગાહ વિગેર

ભારતમાં લેઇઝર કરતા 'રીલીજીયસ ટુરીઝમ' વધુઃ હાલમાં ન જવાના કારણોે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં 'લેઇઝર ટુરીઝમ' (વિવિધ લકઝરી ફેસેલિટીઝ એન્ટરટેઇન્મેન્ટ, સાઇટસીન્સ, ફુડઝ વિગેરે)ની સરખામણીમાં 'રીલીજીયસ ટુરીઝમ' વધુ જોવા મળે છે. એટલે કે લોકો આસ્થાભેર -શ્રદ્ધાં રાખીને વિવિધ ધાર્મિક સ્થળોએ પરિવાર સાથે જવાનું વધુ પસંદ કરતા આવ્યા છે. કોરોના લોકડાઉનની હાલની પરિસ્થિતિમાં લોકો ધાર્મિક સ્થળે ન જતા હોવાના પણ અમુક કારણો જોવા મળે છે.જેમાં લોકો પાસે અમુક સંજોગોમાં રૂપિયાનો અભાવ જોવા મળે છે.હાલમાં લોકોની પ્રાયોરીટી પોતાના પરિવારનું ભરણ પોષણ કરવાની રહી છે. કોરોના મહામારી કેટલી લાંબી ચાલશે તે નકકી નથી. કોરોનાનો ભય સતત સતાવે છે.

 તમામ ધાર્મિક સ્થળો એકસાથે ખૂલ્યા પણ નથી. ધીમે-ધીમે ખૂલી રહ્યા છે.

 જે-તે સ્થળ સેનિટાઇઝડ હશે તે પછી સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાશે કે નહીં તે બાબતે અવઢવ

 હોટલ-રેસ્ટોરન્ટમાં પણ કોરોના સામે તકેદારી રખાશે ક ેનહીં તેવી શંકા

(3:52 pm IST)