Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કોરોનાએ માત્ર ડર જ ફેલાવ્યો છે એવું નથી, આ બાબતે જાગૃત પણ કર્યા

ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ લેનારા વધ્યા

નવી દિલ્હી, તા. ૨૯: કોરોના મહામારીના કારણે ભારતમાં લાઈફ તેમજ હેલ્થ ઈન્શ્યોરન્સ માટે જાગૃતિ ઘણી વધી છે. ભારતમાં ૬૦ ટકાથી વધુ લોકો હવે હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદવા વિશે વિચારવા લાગ્યા છે. તેનું કારણ છે કે, તેમને પોતાને હોસ્પિટલનું મોટું બિલ ભરવું પડયું, અથવા તો તેમના કોઈ સંબંધી-મિત્રનો અનુભવ જાણવા મળ્યો છે. એક સર્વેમાં આ વાત કહેવાઈ છે.

દેશમાં સતત મોંઘા થતા મેડિકલ ખર્ચ અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોવિડ-૧૯ની સારવાર માટે મોટું બિલ આવતું હોવાના અહેવાલોએ ભારતમાં ઈન્શ્યોરન્સ ખાસ કરીને હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. એટલે હવે દર ત્રણમાંથી એક ભારતીય હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદવાનું વિચારવા લાગ્યા છે અને હાલના કોવિડ-૧૯ સંકટના ડરથી પણ આ વિચારને પ્રોત્સાહન મળ્યું છે. ઈન્શ્યોરન્સ માર્કેટપ્લેસ પોલિસીબજારડોટકોમના વાર્ષિક સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વે રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસના ઉપલક્ષ્યમાં કરાયો હતો.

પોલિસીબજારડોટકોમએ ૪ હજારથી વધુ ઈન્શોયરન્સ ગ્રાહકોનો સર્વે કર્યો, જેમણે છેલ્લા ૬ મહિના દરમિયાન આ પ્લેટફોર્મથી ઈન્શ્યોરન્સ કવર ખરીદ્યું છે.

સર્વેનો ઉદ્દેશ્ય એ લોકોનો દ્રષ્ટિકોણ જાણવાનો અને એ સમજવાનો હતો કે એ કઈ બાબત છે જે લાઈફ, હેલ્થ અને મોટર ઈન્શ્યોરન્સ ખરીદવા માટે પ્રેરિત કરે છે. સર્વેના પ્રશ્ન ૧૯થી ૨૩ જૂન ૨૦૨૦ વચ્ચે પૂછાયા હતા. સર્વેના પરિણામ ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદનારા લોકોની સંખ્યામાં વૃદ્ધિનો સંકેત પણ આપે છે. લાંબાગાળાની સુરક્ષા માટે ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદનારા લોકોની સંખ્ય ૨૦૧૯ની સરખામણીમાં વધી છે. પહેલા ૧૦માંથી ૬ લોકો ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદતા હતા હવે ૧૦માંથી ૭ લોકો ખરીદવા લાગ્યા છે.

પોલિસીબજારડોટકોમના સીઈઓ સરબવીર સિંહે કહ્યું કે, 'ભારતીયોમાં ઈન્શ્યોરન્સનો ઉદ્દેશ્ય તેમજ મહત્વને લઈને વધતી જાગૃતિ ઘણી ઉત્સાહજનક છે. એક સારો ઈન્શ્યોરન્સ સુરક્ષા પ્રાપ્ત દેશ કોઈપણ જાહેર સ્વાસ્થ્ય સંકટ અને અર્થવ્યવસ્થાનો સામનો કરવા માટે સારી સ્થિતિમાં હોય છે. અમારા સર્વેનું પરિણામ ભારતની ઈશ્યોરન્સ કંપનીને બજારની જરૂરિયાત મુજબ સારા પ્રોડક્ટ બનાવવા અને વેચવામાં મદદ કરે છે.'

તો, મોટર ઈન્શ્યોરન્સ પ્રત્યે કુલ જાગૃતિ તો વધી છે, પરંતુ તેને હજુ પણ એક કાયદાકીય ઔપચારિકતા તરીકે જોવામાં આવે છે. ચારમાંથી ૩ લોકોએ એમ કહ્યું કે, તેમને થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સના ફાયદા વિશે જાણ છે, જ્યારે ગત વર્ષે એવા લોકોની સંખ્યા ૬૦ ટકા હતી. ઝીરો ડેપ્રિશિયેશન કવરની જાણકારી રાખતા લોકોની સંખ્યા પણ ગત વર્ષના ૫૦ ટકાથી વધીને આ વર્ષે ૭૦ ટકા સુધી પહોંચી છે.

(3:00 pm IST)