Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ ઓલ પાર્ટી હુર્રિયત કૉન્ફરન્સમાંથી આપ્યુ રાજીનામુ

ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સ એ જમ્મુ કાશ્મિરમાં સક્રીય નાના મોટા અલગાવવાદી જૂથની સર્વોચ્ચ સંસ્થા

નવી દિલ્હી : અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાનીએ ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સમાંથી રાજીનામુ આપી દીધુ છે. ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સ એ જમ્મુ કાશ્મિરમાં સક્રીય નાના મોટા અલગાવવાદી જૂથની સર્વોચ્ચ સંસ્થા ગણાય છે. હુરીયત કોન્ફરન્સમાંથી રાજીનામુ આપતા ગીલાનીએ ઓડીયે મેસેજ જાહેર કરી જણાવ્યુ છે કે, રાજીનામા અંગે હુરીયતના તમામ નાના મોટા ઘટક દળ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓના વડાઓને જાણ કરી દેવાઈ છે.

ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સ બે ભાગમાં વહેચાયેલી છે. એક ભાગ કટ્ટરવાદમાં માને છે જ્યારે બીજો ભાગ ઉદારવાદી ગણાય છે. ગીલાનીની ગણના કટ્ટરવાદીઓમાં થાય છે. 1990ના દશકામાં કાશ્મિરમાં ફેલાયેલા આંતકવાદ, અલગાવવાદને રાજકીય મંચ પૂરો પાડવા ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સની રચના કરવામાં આવી હતી. કાશ્મિરમાં સક્રીય તમામે તમામ આંતકી સંગઠનો કોઈને કોઈ પ્રકારે હુરીયત કોન્ફરન્સ સાથે જોડાયેલા છે. 9 માર્ચ 1993ના રોજ કાશ્મિરમાં સક્રીય 26 અલગાવવાદી જૂથોએ એકઠા થઈને, છ વ્યક્તિઓની આગેવાનીમાં ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સની સ્થાપના કરી હતી. જે તે સમયે કાશ્મિરમાં ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સનો નિર્ણય એ આખરી નિર્ણય ગણાતો હતો. હુરીયત કોન્ફરન્સમાં મતભેદ સર્જાતા, 2004માં ગીલાનીએ પોતાના ટેકેદારો સાથે નવુ જૂથ બનાવ્યુ. આની સાથે જ ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સ બે જૂથમાં વહેચાઈ ગયું.

(2:34 pm IST)