Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગલવાન ઘાટીમાં ઓરેન્જ એલર્ટ પર ભારતીય સેના

ચીનને તબાહ કરવા માટે એર મિસાઇલ સીસ્ટમ તૈનાત

જમ્મુ,તા.૨૯: પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની હિલચાલથી ઉપજેલી તંગદિલી વચ્ચે હવે ભારતીય સેનાએ જમીન જ નહીં, હવામાં પણ તેને ઘેરવા માટે મજબુત જાળ બિછાવી રાખી છે. આખા લદ્દાખમાં ભારતીય વાયુ સેના અને થલ સેના ઓરેન્જ એલર્ટ પર છે. એટલું જ નહીં, દુશ્મનના વિમાનને પણ પાડી દેવા માટે કવીક રીએકશન સરફેશ ટુ એર મિસાઇલ સિસ્ટમ પણ તૈનાત કરી દેવાઇ છે. વાયુ સેનાના આધુનિક રડાર દુશ્મનોના વિમાનો પર તેમના બેઝ પર જ નજર રાખી રહ્યા છે.

પૂર્વ લદ્દાખમાં ચીનની સરખામણીમાં ભારતીય સેના પુરી રીતે તૈયાર છે. વધુ એક તોપખાનુ જરૂર પડે તો તૈયાર છે તો ભારતીય વાયુસેના પણ હવાઇ હુમલો નિષ્ફળ બનાવવા સક્ષમ છે. સેના સુત્રો અનુસાર, બન્ને ભારતીય સેનાઓએ તોપો અને મિસાઇલોની તૈનાતી કરવાની સાથે જ પૂર્વી લદ્દાખમાં પોતાની મોબાઇલ એરડીફેન્સ સીસ્ટમ પણ મજબૂત કરી છે. આ ઉપરાંત પણ નવા ઉપકરણોને સામેલ કરવાનું ચાલુ જ છે.

છેલ્લા બે અઠવાડીયામાં ચીની વાયુસેના વાસ્તવીક નિયંત્રણ રેખાની નજીક સુખોઇ-૩૦ વિમાનો અને હેલીકોપ્ટરોની ગતિવિધીમાં તેજી લાવી છે. ચીનના હેલિકોપ્ટર ગલવાન ઘાટીના પેટ્રોલીંગ પોઇન્ટ ૧૪,૧૫ તથા હોટ સ્પ્રીંગ, પેંગોગત્સો અને ફીંગર એરીયાની ઘણી નજીક ઉડતા દેખાયા છે. તેના જવાબમાં જ ભારતીય વાયુસેનાએ પૂર્વ લદ્દાખમાં દુશ્મન વિમાનોને પાડી દેવાની ક્ષમતા ધરાવતી પોતાની આધુનિક કવીક રિએકશન સરફેશ ટુ એર મીસાઇલ સીસ્ટમ તૈનાત કરી છે. બન્ને દેશો વચ્ચેની સમજુતી અનુસાર, ભારત અને ચીનના વિમાનોએ ઉડતી વખતે વાસ્તવીક નિયંત્રણ રેખાથી દસ કિલોમીટરનું અંતર જાળવવાનું હોય છે.

કવીક રીએકશન સરફેસ ટુ એર મિસાઇલ સીસ્ટમ ગયા વર્ષે જ ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવી છે. આ મીસાઇલ સિસ્ટમને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવી છે. આ મીસાઇલ સિસ્ટમને જામ નથી કરી શકાતી. તેને વાહન દ્વારા ઓછામાં ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઇ શકાય છે. સિસ્ટમમાં લાગેલી મિસાઇલ દુશ્મનના વિમાને તાત્કાલિક શોધીને તેને પાડી દેવાની ક્ષમતા ધરાવે છે.

(11:21 am IST)