Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વળતર ચુકવતી વખતે અકસ્માતમાં મરનાર વ્યકિત ભવિષ્યમાં કેટલું કમાત તે પણ ધ્યાનમાં લેવું જરૂરીઃ સુપ્રિમ કોર્ટ

ભાવિ આવકને ધ્યાનમાં ન લઇને હાઇકોર્ટે ભૂલ કરી

નવી દિલ્હી, તા.૨૯: સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે મોટર એકસીડન્ટ કેસમાં પીડિતની વર્તમાન આવકમાં ભવિષ્યની સંભવિત આવકને જોડીને જ વળતર નક્કી કરવામાં આવે. કોર્ટે મૃતકના પરિવારજનની અરજી પર વળતરની રકમ વધારી દીધી અને કહ્યું કે ઇન્સ્યોરંસ કંપની વધેલી રકમ ૧૭ લાખ ૫૦ હજાર ચુકવે અને તેના પર ૭.૫ ટકા વ્યાજ પણ આપે. કોર્ટે કહ્યું કે વિશેષાધિકારનો ઉપયોગ કરીને વળતર વધારવું જરૂરી છે ત્યારે પુરેપુરો ન્યાય મળશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉત્તરાખંડ હાઇકોર્ટે મૃતક છેલ્લા આઇટી રીટર્ન પર વિચાર ન કરીને ભૂલ કરી હતી. તે રીટર્ન મૃતકે મર્યા પહેલા ભર્યુ હતું. તેમાં વાર્ષિક આવક એક લાખ હતી. હાઇકોર્ટે તેની પહેલાના ત્રણ રીટર્નની સરેરાશ ૫૨૬૩૫ રૂતિયા વાર્ષિક આવક માની જે ભૂલ હતી.

સુપ્રીમે કહ્યું કે બંધારણીય બેંચના ચુકાદા મુજબ વર્તમાન આવકમાં ભવિષ્યની સંભવિત આવક પણ ઉમેરવી જોઇએ. વર્તમાન એક લાખમાં અમે ૪૦ ટકા ભાવિ આવક પણ ઉમેરી રહ્યા છીએ અને તેના આધારે વળતર નક્કી કરી રહ્યા છીએ. ઉતરાખંડનો આ કેસ છે. ૨૦૦૭માં હરીશ આર્ય નામની વ્યકિતને ટાટા સુયોએ ટક્કર મારી હતી જેમાં તેનું મોત થયું હતું.

(10:35 am IST)