Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મધ્યપ્રદેશના કોન્સ્ટેબલે ભેંસની સેવા કરવા રજા માંગી

કોન્સ્ટેબલની રજા ચિઠ્ઠી સોશિયલ મિડિયામાં વાયરલ : મારા સારા નરસા સમયમાં ભેંસે તેને બહુ સાથ આપ્યો છે, તેથી હવે મારી ફરજ બને છે કે હું તેની દેખરેખ રાખું

રીવા, તા. ૨૮ : મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક કોન્સ્ટેબલની રજા ચિઠ્ઠીએ લોકોમાં ખાસ કરીને સોશિયલ મીડિયા પર બહુ કૂતુહલ જગાવ્યું છે. કુલદીપ સિંહ તોમર નામના કોન્સ્ટેબલની આ લીવ એપ્લિકેશન બહુ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેણે અરજીમાં પોતાની ભેંસના સેવા માટે વિભાગમાં ૬ દિવસની રજા માગી છે. કુલદિપે એપ્લિકેશનમાં લખ્યું કે, તેણે પોતાની ભેંસનું દૂધ પીને પોલીસમાં ભરતીની તૈયારી કરી હતી. હવે મારી ફરજ અદા કરવાની છે. અરજીમાં તેણે એ પણ લખ્યું છે કે તેની મા છેલ્લા બે મહિનાથી બીમાર છે. રીવા જિલ્લામાં એસએએફ-૯મી બટાલિયનમાં કાર્યરત કોન્સ્ટેબલ કુલદીપ તોમરે લખ્યુ છે કે,"મારી માનું આરોગ્ય છેલલા બે મહિનાથી ખરાબ ચાલી રહ્યું છે. મારા ઘરમાં એક ભેંસ પણ છે. જેને હું બહુ પ્રેમ કરું છું. હાલમાં જ તેણે એક વાછરડાને જન્મ આપ્યો છે. તેની દેખરેખ રાખનાર કોઈ નથી. હું આ ભેંસનું જ દૂધ પીને મોટો થયો છું અને પોલીસમાં ભરતી થવાની તૈયારી પણ એનું દૂધ પીને જ કરતો હતો.

                 મારા જીવનમાં આ ભેંસનું બહુ મહત્વ છે. આ ભેંસને કારણે જ આજે હું પોલીસમાં છું." કોન્સ્ટેબલે વધુમાં લખ્યું કે "મારા સારા નરસા સમયમાં આ ભેંસે તેનો બહુ સાથ આપ્યો છે, તેથી હવે મારી ફરજ બને છે કે હું આવા સમયમાં તેની દેખરેખ રાખું. તમને વિનંતી છે કે તેના માટે મને ૬ દિવસની રજા આપવામાં આવે." જો કે આ એપ્લિકેશન વાયરલ થયા બાદ એધિકારીઓએ કુલદીપ સિંહને ફટકાર લગાવી. મીડિયાએ પણ તેનો સંપર્ક કર્યો તો તેણે આવી કોઈ અરજી લખી હોવાનો જ ઈનકાર કરી દીધો. તેનું કહેવું છે કે આ અરજી તેણે લથી નથી.પરંતુ કોઈ દુશ્મને તેના નામે એપ્લિકેશન મોકલી છે. અત્યારે તો અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

(12:00 am IST)