Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ચીની કંપની અલીબાબાના રોકાણનો જોરદાર વિરોધ

ઝોમેટોથી ૧૫૦ ડિલીવરી બોયઝે રાજીનામા આપ્યા :ભારત-ચીન વચ્ચે ૧૦૦ બિલિયનથી વધુનો દ્વિપક્ષીય વેપાર

કોલકાતા, તા. ૨૮ : દેશમાં ગલવાન ખીણમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા બાદ ચીન પ્રત્યે લોકોનો રોષ સતત વધી રહ્યો છે. પશ્ચિમ બંગાળના ૨૪ પરગનામાં ઝોમેટો ડિલિવરી બોયઝે ચીની કંપની અલીબાબાએ ઝોમેટોમાં કરેલા રોકાણના વિરોધમાં રાજીનામું આપી દીધું છે. વિરોધ પ્રદર્શનો દરમિયાન કંપનીના બે પૂર્વ કર્મચારીએ ઝોમેટો દ્વારા અપાયેલી બે જર્સી પણ સળગાવી હતી. વિરોધ પ્રદર્શન કરતી વખતે એ કર્મચારીએ કહ્યું કે ઝોમેટોથી ૧૫૦ ડિલીવરી બોયઝે પોતાના રાજીનામા આપ્યા છે, પરંતુ અહીંયા વિરોધ પ્રદર્શનોમાં કેટલાક લોકો સામેલ થયા છે. અમે એવી કોઈ કંપની સાથે કામ કરવા ઈચ્છતા નથી, જે એ દેશોની કંપનીઓ સાથે મળીને કામ કરે છે, જે દેશો આપણા દેશના જવાનોના જીવ લે છે.

                અત્રે ઉલ્લેકનીય છે કે ૧૫ જૂને લદાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા. ચીનના પણ કેટલાય સૈનિકો માર્યા ગયાની વાત સામે આવી છે. જેની પુષ્ટિ ભારતમાં ચીનના રાજદૂત અને ગ્લોબલ ટાઈમ્સના એડીટરે પણ કરી છે. જોકે, ચીને હજુ સુધી પોતાના કેટલા સૈનિકો મર્યા તેની સંખ્યા જાહેર કરી નથી. અહીંયા નોંધવું રહ્યું કે ભારત અને ચીનની વચ્ચે ૧૦૦ બિલિયનથી વધુનો દ્વિપક્ષીય વ્યાપાર છે. ભારતની અનેક કંપનીઓ રો-મટીરીયલ્સ ચીનથી મંગાવે છે. તેમજ ભારતના ડિઝિટલ પ્લેટફોર્મ પર ચીનનો ખૂબ મોટો હિસ્સો છે,તેમજ મોબાઇલ ક્ષેત્રમાં ચીની કંપનીઓએ ભારતમાં પ્રભુત્વ જમાવ્યું છે. જોકે, ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારતીય ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા, ત્યારબાદમાં દેશના લોકોમાં ચીની ચીજવસ્તુઓના બહિષ્કારની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.

(12:00 am IST)