Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કોરોના કાળમાં દાળની કિંમત ૨૦૦ રૂપિયા કિલો

એપ્રિલ મહિનામાં મોંઘવારીનો દર ૮.૬ ટકા

નવી દિલ્હી તા. ૨૨ : કોરોના સંકટ વચ્ચે દેશમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારી અંગે રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસે પણ ચિંતા વ્યકત કરી છે. રેપો રેટમાં ઘટાડો અને લોનના હપ્તામાં ત્રણ મહિના રાહતની ઘોષણા કરીને તેઓએ કહ્યું કે, મોંઘવારીનો દર ચિંતાજનક છે. તેઓએ કહ્યું કે દાળની વધતી કિંમત ચિંતા વધારનાર છે અને બજાર તાત્કાલિક ખોલવાથી કિંમતોમાં રાહત મળી શકે છે. મોંઘવારીના આંકડાને રજૂ કરીને શકિતકાંત દાસે કહ્યું કે, એપ્રિલ મહિનામાં મોંઘવારીનો દર ૮.૬ ટકા રહ્યો છે. તેઓએ કહ્યું કે, ૨૦૨૦ના પ્રથમ હાફમાં મોંઘવારી દર ઉંચો બની રહે છે પરંતુ હવેના હાફમાં અમુક અંશે રાહત મળવાની સંભાવના છે.

રીટેલ માર્કેટમાં દાળની કિંમતો ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો અથવા તેનાથી વધુ ચાલી રહી છે. બિગ બાસ્કેટ પર હાલમાં અડદની દાળ ૨૬૫ રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે એટલું જ નહી બિગ બાસ્કેટ પર દાળની ઉપલબ્ધતા પણ નથી. આ ઉપરાંત એમેઝોનની વાત કરીએ તો મસૂરની દાળ ૧૫૦થી માંડીને ૩૦૦ રૂપિયા સુધીના રેટમાં મળી રહી છે. જોકે ગ્રોફર્સ પર મસૂરની દાળ ૧૪૨ રૂપિયા પ્રતિકિલોના ભાવમાં મળી રહી છે.

દાળની કિંમતો લોકડાઉન દરમિયાન પ્રત્યાશિત રીતે વધી છે પરંતુ તેનું એક કારણ ૨૦૧૯-૨૦માં ઉત્પાદનમાં થયેલો ઘટાડો પણ છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૨૬.૩૦ મિલિયન ટનના ઉત્પાદનનું લક્ષ્ય નક્કી કર્યું હતું.

લોકડાઉન દરમિયાન ફકત ૩૦ થી ૪૦ ટકા દાળની મીલો ચાલી રહી હતી પરંતુ હવે ધીરે - ધીરે કામ થવાનું શરૂ થયું છે. લેબર અને ટ્રાન્સપોર્ટેશનના ઘટાડાને કારણે દાળની મિલોમાં કામ હજુ પણ શરૂ થયું નથી.

(3:46 pm IST)