Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

તિરૂપતિ બાલાજી મંદિરમાં શ્રધ્ધાળુઓની ગેરહાજરી

અડધી કિંમતે મળી રહ્યા છે લાડવા : દુનિયાનું અમીર મંદિર સુમસામ મંદિર બંધ હોવા છતાં ઓન-લાઇન પેમેન્ટથી બે કરોડનું દાન આવ્યું

તીરૂપતિ, તા. ર૧ :  ગત ર૦ મી માર્ચથી સુપ્રસિધ્ધ તિરૂપતિ બાલાજી મંદિર કોરોના મહામારીના કારણે બંધ કરાયું છે. અહીંયા દર્શનાર્થીઓની ભીડ ગાયબ થઇ ગઇ છે. સતાધીશો તો હાલ મંદિરનો પ્રસાદ અડધી કિંમતે વેંચી રહ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મંદિર ખાતે ૧૭પ ગ્રામનું લાડુ પ્રસાદ પેકેટ અગાઉ પ૦ રૂપિયે વેંચાણ થતુ હતુ હવે આ જ પ્રસાદ પેકેટ રપ રૂપિયાના ટોકન ભાવે વિતરણ થઇ રહ્યું છે.

મંદિર બંધ થતા હવે બાલાજીને ચડાવાતો પ્રસાદ ચેન્નાઇ, બેંગલુરૂ, હૈદરાબાદ અને આંધ્ર પ્રસાદના દરેક જિલ્લા મુખ્યાલયો ખાતે ઉપલબ્ધ કરાવાય છે અને ટોકન ભાવે વેંચાણ થાય છે.

તીરૂમાલા તિરૂપતિ દર્શન ટ્રસ્ટ બોર્ડના અધ્યક્ષ વાય.બી.સુબ્બારેડ્ડીના જણાવ્યા મુજબ મંદિરનો લાડુ પ્રસાદ ચેન્નઇ ઉપરાંત આંધ્રપ્રદેશના તમામ જિલ્લા મુખ્યાલયો ખાતેના ટ્રસ્ટ કલ્યાણ મંડપ અને સુચના કેન્ટ્રો પર જલ્દીથી ઉપલબ્ધ કરાવાશે.

તેમના જણાવ્યા પ્રમાણે લોકડાઉન હોવા છતાં ભકતો ઇ-હુંડી દ્વારા મંદિરમાં ચઢાવો ચડાવી રહ્યા છે. ઓનલાઇન પેમેન્ટ દ્વારા મંદિર બંધ હોવા છતા ૧ કરોડ ૯૭ લાખ ચઢાવો આવ્યા છે.

(3:44 pm IST)