Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

...તો ભારતમાં કોરોનાથી ૩૪ હજારના મોત થશે

કોરોનાનું બિહામણુ રિસર્ચ : અમેરિકાની યુનિવર્સિટીના નિષ્ણાંતનો ધડાકો : જો ભારત - પાકમાં કોરોનાના કેસો આ જ રીતે વધશે તો પાકમાં ૫૦૦૦ના મોત થશે

નવી દિલ્હી તા. ૨૨ : કોરોના વાયરસના કારણે બે પાડોશી દેશો ભારત અને પાકિસ્તાનમાં કોહરામ મચી ગયો છે. ભારતમાં ચોથી વખત લોકડાઉન લાગ્યા બાદ પણ કોરોના વાયરસના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાન પણ કોરોના વાયરસથી બેહાલ છે. હવે એક સંશોધનનો અંદાજો છે કે જો કોરોના વાયરસ બંને દેશોમાં સમાન દરે વધતો રહ્યો તો ઓગસ્ટ સુધીમાં ભારતમાં મોતનો આંકડો ૩૪૦૦૦ અને પાકિસ્તાનમાં ૫૦૦૦ને આંક વટાવી જશે.

અમેરિકાના યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના સંક્રમક રોગ નિષ્ણાત ફહીમ યુનુસના મતે ભારત અને પાકિસ્તાનમાં કોરોના વાયરસના કેસો ખૂબ જ ઝડપી દરે વધી રહ્યા છે. જો બંને દેશોના આંકડા આ જ રીતે વધતા રહેશે તો ૪ ઓગસ્ટ સુધીમાં કોરોના વાયરસના લીધે મોતનો આંકડો અનેકગણો વધી જશે. તેમણે અનુમાન લગાવ્યું કે ૪ ઓગસ્ટ સુધીમાં ભારતમાં કોરોના વાયરસથી ૩૪૧૫૫ લોકોના મોત થઇ જશે.

હાલની પરિસ્થિતિ જોઈએ તો ભારતમાં લોકડાઉન ૪ માં કોરોનાના નવા કેસે જોર પકડ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી દરરોજ ૪ હજારથી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના પીડિતોની સંખ્યા ૧,૧૮,૪૪૭ છે જયારે ૪૮,૫૩૪ લોકો આ જીવલેણ રોગથી સાજા થયા છે. કોવિડ-૧૯ એ ૩૫૮૩ લોકોના જીવ લઇ લીધા છે.

યુનુસે કહ્યું કે ૪ ઓગસ્ટ સુધીમાં પાકિસ્તાનમાં કોરોના વાયરસના લીધે ૫૩૩૨ લોકોનાં મોત થઇ શકે છે. પાકિસ્તાનમાં હાલના સમયમાં કોરોના વાયરસના ૫૦,૬૯૪ કેસ સામે આવ્યા છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસથી ૧૦૬૬ લોકોનાં મોત થયા છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસો સિંધ પ્રાંતમાં આવ્યા છે. ત્યારબાદ પંજાબનો નંબર આવે છે. આખી દુનિયાની વાત કરીએ તો કોરોના વાયરસને કારણે ૩૩૪,૬૮૦ લોકોનાં મોત નીપજયાં છે. 

બ્રાઝિલ આ મહામારીનો નવો ગઢ બનીને સામે આવ્યો છે. બ્રાઝિલમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૨૦,૦૦૦ વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં ૨૪ કલાકમાં સૌથી વધુ મોત થયા છે. આ દેશ લેટિન અમેરિકામાં કોરોના વાયરસનું કેન્દ્ર છે અને એક દિવસમાં ૧૧૮૮ લોકોના મોતની સાથે કુલ આંક ૨૦,૦૪૭ પર પહોંચી ગયો છે. બ્રાઝિલમાં સંક્રમણના ૩,૧૦,૦૦૦ થી વધુ કેસ છે.

(3:11 pm IST)