Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રશિયન પ્રયોગશાળામાં આઠ મહિના વિતાવી શકે એવા સોશ્યલ આઇસોલેશન નિષ્ણાતોની શોધ છે નાસાને

ન્યુયોર્ક તા.રર : અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ જાહેરાત કરી છે કે આઠ મહિના રશિયન લેબમાં વિતાવી શકે એવા સોશ્યલ આઇસોલેશન નિષ્ણાતોની ટીમ જોઇએ છે જે ચંદ્ર અને મંગળના ભવિષ્યના મિશન માટે ડેટા એકઠા કરવામાં મદદરૂપ થઇ શકે.

નાસાએ જણાવ્યા મુજબ પસંદ કરેલા ઉમેદવારોએ અંતરિક્ષયાત્રીઓ જેવા જ પર્યાવરણીય પાસાઓ સાથે એક બંધ સુવિધામાં સમય પસાર કરવાનો રહેશે જયાં તેમને મંગળના ભાવિ મિશન જેવો જ અનુભવ કરાવવામાં આવશે. આ ટીમ નાસાના ભાવિ અવકાશયાત્રીઓ ચંદ્ર અને મંગળ તરફ જવાના પ્રયાસો માટે કરે એવા જ વૈજ્ઞાનિક પ્રયોગો પણ કરશે એવી અપેક્ષા છે. આ પ્રયોગથી લાંબા અંતરનાં અભિયાનોથી અલગ થવાના કારણે અવકાશયાત્રીઓને જે માનસિક અનેશારિરીક અસરોનો સામનો કરવો પડે છે એનો અભ્યાસ કરવામાં પણ મદદ થશે.

વૈશ્વિક કોરોના વાઇરસ રોગચાળાને પરિણામે વિશ્વભરમાં ઘણા લોકો ઘરે બેઠા છે ત્યારે નાસા એના આગામી સ્પેસફલાઇટ સિમ્યુલેશન અભ્યાસની તૈયારી કરી રહ્યું છે અને આઠ મહિના એકલતામાં નાના ક્રૂ સાથે ગાળી શકે એવા સહભાગીઓની શોધ કરી રહ્યું છે.

(2:57 pm IST)