Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

'કોરોના કહેર'ને કારણે

દેશની દવાબજાર પણ બિમાર પડી ગઇ ! કરોડો- અબજો રૂપિયાનું ટર્નઓવર ઘટયું

સમગ્ર ભારતના 1 લાખ 35 હજાર કરોડના વાર્ષિક ટર્નઓવરને બદલે આ વર્ષે માત્ર 85 હજાર કરોડનું ટર્નઓવર થશે : 30 થી 40 ટકાનો ઘટાડો . રાજકોટની દવાબજારનું માસિક ટર્નઓવર 30 કરોડમાંથી 20 કરોડ થઇ ગયું : સૌરાષ્ટ્ર-કચ્છનું પણ ઘટયું . કાર્ડીયાક, ડાયાબીટીસ, બ્લડપ્રેશર, ડીપે્રશન માટેની દવાઓને બાદ કરતા લગભગ તમામ દવાઓની ડીમાન્ડ-વેચાણ ઘટયા

રાજકોટ, તા. રર : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોના (COVID 19) એ ભારત સહિત સમગ્ર વિશ્વમાં સવા ત્રણ લાખ ઉપર લોકોનો ભોગ લીધો છે. ભારતમાં પણ હજ્જારો લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. કોરોના સામે તકેદારીરૂપે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સતત છેલ્લા બે મહિનાથી લોકડાઉન પણ ચાલી રહ્યું છે.

દેશમાં 'કોરોના કહેર' તથા લોકડાઉનને કારણે ભારતની દવાબજાર પણ બિમાર પડી ગઇ છે. સમગ્ર ભારતની દવાબજારનું કરોડો-અબજો રૂપિયાનું ટર્નઓવર ઘટી ગયું હોવાનું જાણવા મળે છે. સમગ્ર ભારતના અંદાજે સાડા આઠ લાખ જેટલા દવાના વેપારીઓના સંગઠન ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ (AIOCD) એસો.ના વાઇસ પ્રેસીડેન્ટ અરવિંદ ગુપ્તાના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ભારતની દવાબજારનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 1 લાખ 35 હજાર કરોડનું થતું હોય છે. જે કોરોના -લોકડાઉનને કારણે આ વર્ષે 85 હજાર કરોડ જેટલું થવાની જ ધારણા છે. 30 થી 40 ટકા ડાઉન થઇ શકે છે.

રાજકોટની દવા બજારની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં રોજનું એકાદ કરોડ જેટલું ટર્નઓવર થતું હોવાનું કેમીસ્ટ એસો.-રાજકોટ તથા સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષ  દેસાઇ જણાવી રહ્યા છે. જે જોતા રાજકોટની દવાબજારનું માસિક  30 કરોડ જેટલું ટર્નઓવર થતું હોય છે, જે  હાલમાં 20 કરોડ જેટલું થઇ ગયાનું જાણવા મળે છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની દવા બજારનું રોજનું અંદાજીત ટર્નઓવર સવા બે કરોડ જેટલું હોય, તે પણ હાલમાં દૈનિક ર કરોડની અંદર આવી ગયાનું સંસ્થાના હોદેદારો જણાવે છે.

કાર્ડીયાક (હૃદયરોગ), ડાયાબીટીસ, બ્લડપ્રેશર, ડીપ્રેશન વિગેરે જેવી અનિવાર્ય અને લાઇફ ડીઝીઝ માટેની દવાઓનું ટર્નઓવર વધ્યું હોવાનું દેખાય છે. કારણ કે કોરોના-લોકડાઉનને કારણે ભય, ટેન્શન, આર્થિક પરિસ્થિતિ બગડવાની બીક, નોકરી છૂટી જવાનો કે બિઝનેસ બંધ થવાની દહેશત, વિચારવાયુ વિગેરેને કારણે સંબંધિત દવાઓની ડીમાન્ડ વધી હોવાનું જોવા મળે છે.

પરંતુ આ સિવાય ક્રોનિક કેટેગરી, શ્વાસ, ગાયનેક, ચામડીના રોગો, એન્ટી બાયોટીકસ, પેઇનકીલર્સ, ઇન્જેકટેબલ, વિટામીન-મીનરલ્સ વિગેરે સંદર્ભેની દવાઓના ટર્નઓવરમાં ભારે ઘટાડો જોવામાં આવી રહ્યો છે. સામાન્ય તકલીફો માટે કે અમૂક લોકો પ્રિકોશન્સના ભાગરૂપે ડોકટર્સનો ટેલિફોનિક સંપર્ક કરી પેરાસીટામોલ કે હાઇડ્રોકસી કલોરોકવીન  દવા લેતા હોય છે જેને કારણે આવા કન્ટેઇન્સની દવાઓ ડીમાન્ડેબલ રહે છે. લોકડાઉન દરમ્યાન લોકોમાં 'ગુડ ઇટીંગ, ગુડ લિવીંગ'ની હેબીટ પણ ડેવલપ થતાં અને પ્રદુષણ ઘટતા લોકોની  તંદુરસ્તી સારી રહેતા એલોપેથિક દવાઓની ડીમાન્ડ પણ ઘટી ગયાનું જાણવા મળે છે.ઓપરેશન ઘટતા ઇન્જેકટેબલ પણ ઓછા થયા. 

જો કે કોરોના સામેની તકેદારીરૂપે અનિવાર્ય ગણાતા ફેઇસ માસ્ક તથા સેનિટાઇઝર્સને સંસ્થાના હોદેદારોએ દવા બજારના ટર્નઓવરમાં ગણયા નથી. કારણ કે સરકાર દ્વારા માસ્ક અને સેનિટાઇઝરનો જીવન જરૂરીયાતની વસ્તુઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

લોકોનું બહારનું ખાવા-પીવાનું પણ ઓછું થયું જેને કારણે ડીહાઇડ્રેશન, એસિડીટી, વોમીટીંગ-ડાયેરીયા, ઇન્ફેકશન, પાણીથી થતાં રોગો વિગેરે પણ ઘટયા હોય શકે. જેને કારણે દવાઓની ખપત ઓછી થતી જોવા  મળે છે.

'પ્લાન્ડ સર્જરી' તથા પેડીયાટ્રીક ડીવીઝન ઘટતા દવાઓનો 'સેલિંગ ગ્રાફ' નીચે

એકસીડન્ટસ ઘટતા ઓર્થોપેડીક ડીવીઝન પણ ખાટલે

''કોરોના કહેર'' તથા લોકડાઉન પહેલા ઘણા બધા દર્દીઓએ ડોકટર્સના અભિપ્રાય પ્રમાણે સમયને અનુરૂપ ઓપરેશન કરાવવાનું નકકી કરી લીધું હતું. આમાના અનિવાર્ય તથા ઇમરજન્સી ન હોય તેવા મોટાભાગના ઓપરેશન્સ પોસ્ટપોન્ડ કરવામાં આવ્યા છે. ડોકટર્સ દ્વારા દવાઓ આપીને દર્દીઓને  ટેમ્પરરી રાહત કરી દેવામાં આવી છે. આ પ્રકારની 'પ્લાન્ડ સર્જરી'માં એપેન્ડીક્ષ, પથરી, બાયપાસ,ની રીપ્લેસમેન્ટ, હીપ રીપ્લેસમેન્ટ હરસ-મસા-ભખંદર, પ્લાસ્ટીક સર્જરી, આંખોના નંબર ઉતારવા, મોતીયો વિગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મોટાભાગની સ્કૂલો બંધ હોવાથી ઇન્ફેકશન-વાયરલ ઇન્ફેકશન વિગેરે સાવ ઘટી જતા બાળકોની ઓવરઓલ હેલ્થ સારી રહેતા પેડીયાટ્રીક ડીવીઝનને લગતી દવાઓનો 'સેલિંગ ગ્રાફ' પણ નીચો ગયો છે.

સાથે-સાથે લોકડાઉનને કારણે ટ્રાફીક સાવ નહીવત રહેતા એકસીડન્ટસ પણ ઓછા થયા છે. જેને કારણે ઓર્થોપેડીક ડીવીઝનને લગતી દવાઓ કે સર્જીકલ આઇટમ્સની ડીમાન્ડ પણ ઘણી ઘટી ગઇ છે.

(2:56 pm IST)