Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

પીએમ મોદીએ કર્યું હવાઇ નિરીક્ષણ : ૧૦૦૦ કરોડનું પેકેજ જાહેર

મહાભયંકર 'અમ્ફાન' વાવાઝોડાથી બંગાળ તબાહ : ૮૦ના મોત : મૃતકોના પરિજનોને ૨ લાખનું વળતર : ઇજાગ્રસ્તોને ૫૦ હજારની મદદ

કોલકત્તા તા. ૨૨ : હવાઇ નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ પ.બંગાળ માટે ૧૦૦૦ કરોડ રૂપિયાનું શરૂઆતી મદદનું એલાન કર્યું છે. આ ઉપરાંત કેન્દ્રની એક ટીમ રાજ્યમાં આવી વિસ્તારથી સર્વે કરશે. આ ઉપરાંત મૃતકોના પરિજનોને ૨ લાખનું વળતર આપવાનું એલાન કર્યું તેમજ ઇજાગ્રસ્તોને ૫૦ હજારની મદદ કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન અમ્ફાનના કારણે ભારે તબાહી મચી છે. છેલ્લા ૨૮૩ વર્ષમાં આવેલું આ સૌથી ભયાવહ તોફાન છે. આ દરમિયાન પીએમ મોદી અમ્ફાન પ્રભાવિત વિસ્તારોનુ હવાઈ સર્વેક્ષણ કરવા પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી કલકત્તા પહોંચી ગયા છે જયાં મમતા બેનર્જીએ તેમનુ સ્વાગત કર્યુ છે. બંને નેતા હવે હવાઈ સર્વેક્ષણ માટે રવાના થઈ ચૂકયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજયના ગવર્નર જગદીપ ધનકડ અને કેટલાક કેન્દ્રીય મંત્રી હેલિકોપ્ટરમાં બેસીને હવાઈ સર્વે માટે રવાના થઈ ગયા છે. પીએમ મોદી નોર્થ અને સાઉથના સ્થળોનું હવાઈ નિરીક્ષણ કરશે જે બાદ બસીરહાટ જશે ત્યાં બેઠક યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવાર સુધી પશ્ચિમ બંગાળમાં અમ્ફાન તોફાનના કારણે ૮૦ લોકોના મોત થયા છે. રાજયને લગભગ એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયાનુ અનુમાન છે.

પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યુ. પીએમ મોદીએ નોર્થ અને સાઉથ ૨૪ પરગના અને બસીરહાટ ગયા હતા. જે દરમ્યાન તેમની સાથે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, પશ્ચિમ બંગાળના રાજયપાલ જગદીપ ધનકડ અને કેન્દ્રીય પ્રધાન હાજર રહ્યા હતા. હવાઈ સર્વે બાદ પીએમ મોદીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમા મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, અમ્ફાનના કારણે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં ૮૦ લોકોના મોત થયા. જયારે એક લાખ કરોડનું નુકસાન થયાનું અનુમાન છે.એમ્ફાને બંગાળમાં તબાહી મચારી છે. મમતા બેનરજીએ ગુરૂવારે વડાપ્રધાન મોદીને પશ્ચિમ બંગાળ આવીને અહીંના નુકસાનને જોવાની અપીલ કરી હતી. જેને પગલે મોદી આજે બંગાળ પહોંચ્યા છે. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં ૮૦ લોકોના મોત થયા છે. મેં આજ સુધી આવી બરબાદી નથી જોઈ. હું વડાપ્રધાનને અપીલ કરીશ કે તેઓ બંગાળ આવે અને અહીંની સ્થિતિ જોવે. જેને પગલે પીએમે પણ તમામ બાબતો બાજુમાં રાખી પ્રથમ બંગાળને પ્રાધાન્ય આપ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાના કારણે રાજયને એક લાખ કરોડનું નુકસાન થયું છે. સાઉથ ૨૪ પરગણા જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે. અહીં તાજેતરમાં જ બનાવેલી ઘણી બિલ્ડિંગો બરબાદ થઈ ગઈ છે. આ સૌથી ભયાનક તોફાન હતું જેમાં ઓડિશા બચી ગયું છે પણ બંગાળને ભારે નુકસાન થયું છે.

દુઃખની ઘડીમાં સમગ્ર દેશ બંગાળની પડખે

હવાઇ સર્વે બાદ પીએમ મોદીએ કહ્યું કે જયારે દેશમાં કોરોના વાયરસનું સંકટ છે ત્યારે પૂર્વ ક્ષેત્ર તોફાનથી પ્રભાવિત થયું છે. પીએમ મોદીએ કહ્યું કે રાજય અને કેન્દ્ર બંને સરકારોએ આ વાવાઝોડાને લઇ તૈયારીઓ કરી હતી. પરંતુ તેમ છતાંય ૮૦ લોકોના જીવ બચાવી શકયા નથી. આ વાવાઝોડાના લીધે ઘણી સંપત્તિને નુકસાન થયું છે. તેમણે કેન્દ્રની તરફથી પશ્ચિમ બંગાળને ૧૦૦૦ કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી. તેમણે આશા વ્યકત કરી કે બંગાળ ફરીથી બેઠું થઇ જશે. પીએમ મોદીએ કહ્યું કે આ દુઃખની ઘડીમાં તેઓ પશ્ચિમ બંગાળની સાથે છે.

(3:48 pm IST)