Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

નાસાનો નવો ધડાકો

બીજુ બ્રહ્માંડ છે... જ્યાં સમય પાછળ ચાલે છે

નવી દિલ્હી,તા.૨૨: વિશ્વભરમાં વૈજ્ઞાનિકો ઘણા આશ્ચર્યકારક સંશોધનો કરતા રહે છે. હવે નાસાના વૈજ્ઞાનિકોએ એક સમાનાંતર બ્રહ્માંડ હોવાના પુરાવાઓ શોધી કાઢયા છે. જ્યાંના ભૌતિક નિયમો અહીં કરતા ઉલ્ટા છે એટલે કે ત્યાં સમય આગળ વધવાને બદલે પાછો ચાલે છે.

નાસાના વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટીકામાં કરાઇ રહેલા પ્રયોગોમાં એન્ટાર્કટીકાથી ઉપર જવા માટે રેડીયો ડીટેકટર લગાવેલ એક મોટા બલૂનનો ઉપયોગ કર્યો હતો. નાસાએ આ ડીટેકટરનું નામ એન્ટાર્કટીકા ઇમ્પલ્સીવ ટ્રાન્ઝીએટ એન્ટેના (એએનઆઇટીએ) રાખ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એન્ટાર્કટીકા પર કિરણોની અડચણ ઓછામાં ઓછી હોય અને સાથે જ અહીં વાયુ કે ધ્વનિ પ્રદૂષણ નથી હોતું.

રીસર્ચમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યુ કે હાઇ-એનર્જીના કણો સતત હવાના માધ્યમથી અંતરિક્ષમાંથી ધરતી પર આવે છે. હાઇ એનર્જી કણો ફકત અવકાશમાંથી નીચે આવવાની ખબર પડી શકે છે. પણ વૈજ્ઞાનિકોની ટીમે એવા ભારે કણોની ભાળ મેળવી જે પૃથ્વીની ઉપરથી આવે છે. જેનો અર્થ એ છે કે આ કણ હકીકતમાં ધરતીની સમાંતર બ્રહ્માંડ હોવાની સાબિતી આપે છે, જ્યાં સમય ઉલટો ચાલે છે. જો કે વૈજ્ઞાનિકોની આ પરિકલ્પના પર બધા સહમત નથી. રિપોર્ટમાં જણાવ્યું છે કે ૧૩.૮ બીલીયન વર્ષે પહેલા બિગ બેંગ વખતે બે બ્રહ્માંડો બન્યા હતા. એક તો આપણે રહીએ છીએ તે અને બીજુ જે સમય સાથે પાછળ ચાલી રહ્યું છે.

(11:36 am IST)