Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

પ્રધાનોના જુથનો રિપોર્ટ

લોકડાઉનથી ૯૩ મિલિયન અર્બન શ્રમિકોની માઠી

સરકારે શું કરવું જોઇએ ? કરી ભલામણો

નવી દિલ્હી તા. ૨૨ : કોરોના વાયરસ દેશમાં તાંડવ મચાવી રહ્યો છે એ દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉનને કારણે મેન્યુફેકચરીંગ, કન્સ્ટ્રકશન, ટ્રેડ, ટુરીઝમ અને હોસ્પિટાલીટી ક્ષેત્રે સંકળાયેલા ૯૩ મિલીયન અર્બન શ્રમિકોને માઠી અસર પહોંચી છે તેમ શ્રમ મંત્રી થાવરચંદ ગેહલોટના નેતૃત્વ હેઠળ પ્રધાનોના જુથે તૈયાર કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે.

વડાપ્રધાન કાર્યાલયને ગયા સપ્તાહે સોંપેલા રિપોર્ટમાં શ્રમિકોના હિતને લગતા કેટલાક સૂચનો કર્યા છે. જેમાં જણાવાયું છે કે, વતન વાપસી કરનાર દરેક પરપ્રાંતીય શ્રમિક માટે જોબકાર્ડ બનવું જોઇએ. રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમમાં ફેરફાર કરી પ્રાઇવેટ ફેકટરી કે કન્સ્ટ્રકશન સાઇટમાં કામ કરવાની છુટ અપાવી જોઇએ, કૌશલ નામની એપમાં દરેક શ્રમિકના નામની નોંધણી થવી જોઇએ.

પ્રધાનોના સમૂહે એવી પણ ભલામણ કરી છે કે ઘરવાપસી કરેલા શ્રમિકોને જે તે રાજ્યના શહેરમાં પરત જવા માટે તૈયાર કરવા જોઇએ. તેઓના બાળકોને સ્કોલરશીપ આપવા જેવા પગલા લેવાથી વિશ્વાસનું વાતાવરણ ઉભું થશે. તમામ શ્રમિકોને આપમેળે આયુષ્યમાન ભારત કે નેશનલ હેલ્થ ઇન્સ્યુ. સ્કીમમાં સામેલ કરી દેવા જોઇએ.

આ ગ્રુપે એવું પણ જણાવ્યું છે કે, સંગઠિત ક્ષેત્રમાં પણ કામદારોને નોકરી જવાનું જોખમ ઉભું છે.  રીપોર્ટમાં જણાવાયું છે કે, લોકડાઉને જિંદગી બચાવી છે પણ આર્થિક કટોકટી ઉભી થઇ છે. જે હેઠળ જીવન નિર્વાહ અને નોકરી જવાનો ડર ઉભો થયો છે. આ જૂથે ભલામણ કરી છે કે આર્થિક પ્રવૃત્તિ વ્હેલીતકે શરૂ થવી જોઇએ.

(11:03 am IST)