Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કોરોનાના સંકટ વચ્ચે એચસીએલ કંપનીકર્મચારીઓને આપશે બોનસ :15 હજાર ફ્રેશરને નોકરીની કરી ઓફર

કોરોનાને કારણે કારોબાર અને આવક પર અસર થવા છતાં એકપણ કર્મકાહરીને કાઢશે નહીં

નવી દિલ્હીઃ કોરોનાના સંકટ વચ્ચે લોકડાઉનમાં ઘણી કંપનીઓને રેવેન્યૂ બાબતે મોટો ફટકો લાગ્યો છે.જેના કારણે ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓને કામમાંથી કાઢી રહી છે. અથવા તો કર્મચારીઓના પગારમાં કાપ મૂકી રહી છે.ત્યારે એચસીએલ ટેક્નોલોજીએ પોતાના દોઢ લાખ કર્મચારીઓના પગારમાં કોઈ જ પ્રકારનો કાપ મૂક્યો નથી. જ્યારે ગત વર્ષનું બોનસ પણ આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોરોનાના કારણે કંપનીના કારોબાર અને આવક ઉપર ખરાબ અસર થઈ છે છતાં પણ કંપનીએ એક પણ કર્મચારીને કાઢશે નહીં.

 સોફ્ટવેર સેવા ઉપલબ્ધ કરાવનારી દેશની ત્રીજી સૌથી મોટી કંપની એચસીએલ ટેક્નોલોજીએ આ પહેલા 15000 ફ્રેશર્સને નોકરી આપવાની ઓફર આપી છે. મહારાષ્ટ્ર ટાઈમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે કોરોના સંકટના કારણે કંપનીનો એક પણ પ્રોજેક્ટ રદ થયો નથી. પરંતુ નવા પ્રોજેક્ટના કામમાં મોડું જરૂર થયું છે. આમાં પણ કંપની સારી સંભાવનાઓ શોધી રહી છે. જ્યાં જરૂરી છે ત્યાં ભરતી કરવામાં આવી રહી છે. આમ એચસીએલ ટેકના એચઆર પ્રમુખ અપ્પારાવ વીવીએ સ્પષ્ટ કર્યું છે.
કંપનીના એચઆર પ્રમુખે કહ્યું હતું કે કંપની જે બોનસ આપે છે તે કર્મચારીઓની છેલ્લા 12 મહિનાની મહેનત હોય છે. એટલા માટે કર્મચારીઓને તેનો સંપૂર્ણ લાભ મળવો જોઈએ આમ કંપની માને છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2008ની વૈશ્વિક મંદી હોય કે અન્ય કોઈપણ સંકટ હોય કંપનીએ પોતાના કર્મચારીઓના પગારમાં ક્યારેય કાપ મૂક્યો નથી.

(11:58 pm IST)