Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોના સામે લડત : ભારતને વર્લ્ડ કપ જીતાડી આપનાર ખેલાડી બચાવી રહ્યો છે લોકોના જીવ

ક્રિકેટમાંથી નિવૃત ઓલ રાઉન્ડર જોગીંદર શર્મા હરિયાણા પોલીસમાં ડીએસપી છે : લોકડાઉનમાં કરે છે લોકોની સેવા

 

નવી દિલ્હી : કોરોના વાયરસના (COVID-19) કારણે તમામ ખેલાડી પોતાના ઘરમાં બંધ રહેવા મજબૂર છે. બીજી તરફ ટીમ ઇન્ડિયાને ટી-20 વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડી રસ્તા પર લોકોની મદદ કરી રહ્યો છે. લોકોને જાનલેવા બિમારીથી બચાવી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ પૂર્વ ઓલરાઉન્ડર જોગિંદર શર્માની. જેણે 2007માં રમાયેલ ટી-20 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવી હતી. જોગિંદર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. હવે તે હરિયાણા પોલીસમાં ડીએસપી છે અને કોરોના વાયરસ સમયે તે ઘરની બહાર ડ્યૂટી પર છે.

જોગિંદર શર્મા ડીએસપી છે અને હાલના સમયે તેની ડ્યૂટી લાગેલી છે. તે રસ્તા પર નિકળી રહેલા લોકોને ઘરે પાછા મોકલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે હરિયાણામાં લોકડાઉન છે છતા લોકો ઘરની બહાર નિકળી રહ્યા છે. લોકોને બહાર નિકળવાથી રોકવાની જવાબદારી જોગિંદર શર્માને આપવામાં આવી છે. જોગિંદર શર્માએ ટ્વિટ કરીને અપીલ કરતા લખ્યું હતું કે અવરજવર રોકવી કોરોના વાયરસની એકમાત્ર સારવાર છે. ચાલો એકસાથે મહામારીથી લડીએ. કૃપા અમારી સાથે સહયોગ કરો. જય હિંદ.

જોગિંદર શર્માને 2007 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવવા બદલ હરિયાણા પોલીસમાં નોકરી મળી હતી અને આજે તે ડીએસપીના પદ પર કાર્યરત છે. જોગિંદર શર્મા સ્પોર્ટ્સ કોટામાંથી પોલીસ અધિકારી બન્યો છે પણ તે બધુ છોડીને દેશ અને સમાજની સેવા કરી રહ્યો છે

જોગિંદર શર્મા ભારત તરફથી ફક્ત 4 વન-ડે અને 4 ટી-20 મેચ રમ્યો છે. જોગિંદરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફક્ત પાંચ વિકેટ ઝડપી છે. તેની વિકેટ ભારત માટે ઘણી મહત્વની હતી. જોગિંદરને 2007ના ટી-20 વર્લ્ડ કપમાં તક મળી હતી. જોગિંદરે સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયા સામે સેમિ ફાઇનલમાં જોગિંદરે અંતિમ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. પછી ફાઇનલમાં અંતિમ ઓવરમાં મિસ્બાહને આઉટ કરીને ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવ્યું હતું. જોકે અકસ્માતના કારણે પછી જોગિંદરની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હતી. તે પછી ક્યારેય ભારતીય ટીમમાં પસંદ થયો હતો. 2007 તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું અંતિમ વર્ષ રહ્યું હતું

(11:31 pm IST)