Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

૨૧ દિવસના લોકડાઉનને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે સમર્થન આપ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમાન્ડર અને જનતા જવાનો સમાન છે : કટોકટીના સમયમાં બધા નિયમ કઠોરરીતે પાળીને ઘરમાં રહેવા અનુરોદ : જીવનજરૂરી વસ્તુ પર રેટ ઘટાડવા માંગ

નવી દિલ્હી, તા. ૨૫  : કોરોના વાયરસના ઇન્ફેક્શનને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી દેશમાં કરવામાં આવેલા ૨૧ દિવસના લોકડાઉનની ઘોષણા પર એકબાજુ કોંગ્રેસ પાર્ટી અને કેટલાક નેતા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે આની પ્રશંસા કરી છે. એટલું જ નહીં ચિદમ્બરમે દેશવાસીઓને અપીલ કરી છે કે, આ મુશ્કેલ કટોકટીમાં વડાપ્રધાનને પોતાના કમાન્ડર સમજી લેવાની જરૂર છે અને અન્ય તમામ લોકો સૈનિકોની જેમ તેમની બાબતોને સારી રીતે પાળે તે જરૂરી છે. લોકડાઉનની સ્થિતિ ખુબ જ ગંભીરતાપૂર્વક હાથ ધરવામાં આવી છે. તેને પાળવામાં આવે તે જરૂરી છે. કોરોના વાયરસનો મજબૂતી સાથે સામનો કરવા માટે આ ખુબ જ જરૂરી છે. આ મુશ્કેલ સમયમાં ગરીબો, ખેડૂતો, મજુરોના બેંક ખાતામાં પૈસા જમા કરવા માટે ચિદમ્બરમે ૧૦ મુદ્દાનું સૂચન કર્યું હતું. સાથે સાથે પહેલી એપ્રિલ ૨૦૨૦ના દિવસથી તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓની સેવાઓ ઉપર જીએસટી દરમાં પાંચ ટકા કાપ મુકવાની માંગ કરી છે. ચિદમ્બરમ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોદી તરફથી આપવામાં આવેલા ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉન કોરોના સામે લડવામાં એક ઐતિહાસિક પગલું છે.

             ૨૪મી માર્ચથી પહેલાની ચર્ચાને પાછળ છોડીને દેશવ્યાપી લોકડાઉનને એક નવી લડાઈની શરૂઆત તરીકે જોવાની જરૂર છે જેમાં વડાપ્રધાન કમાન્ડર તરીકે છે. તેમણે કહ્યું હતું કે, કટોકટીના સમયમાં વડાપ્રધાન, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ પૂર્ણ સમર્થન આપવાની જરૂર છે. તમામ લોકોએ પોતાના કર્તવ્યો પાળવા જોઇએ. જો કે, ચિદમ્બરમે કહ્યું હતું કે, આ તેમના અંગત વિચાર છે. પાર્ટીને આની સાથે કોઇ લેવા દેવા નથી. તમામ લોકો જાણે છે કે, વડાપ્રધાને મંગળવારના દિવસે કોરોના વાયરસના ફેલાવવાને રોકવા માટે અભૂતપૂર્વ પગલું લઇને દેશમાં ૨૧ દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારબાદ કેન્દ્ર સરકારે કહ્યું છે કે, આઅવધિના ગાળા દરમિયાન તમામ રેલવે, માર્ગ અને વિમાની સેવા બંધ રહેશે. ચિદમ્બરમે પણ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે. સાથે સાથે કોરોના સામેના જંગમાં મદદ કરવાની પણ અપીલ કરી છે. કેન્દ્ર સરકારને આપવામાં આવેલા સૂચનમાં ચિદમ્બરમે લોકોને વેતન અને નોકરીને સુરક્ષિત જાળવવા અપીલ કરી છે. વડાપ્રધાને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળનાર નાણાંકીય મદદને હાલમાં છ હજારથી વધારીને ૧૨ હજાર કરવાની વાત કરી છે. આ રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવી જોઇએ. આ ઉપરાંત અન્યોને પણ તમામ સુવિધા ઝડપથી મળે તેવા પ્રયાસો થવા જોઇએ.

(7:58 pm IST)