Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોના ઇફેકટઃ વિશ્વ આર્થિક સુનામીના સપાટામાં: મૂડી'ઝ

અનેક કંપનીઓ નાદાર થઈ જશે, મોટા પાયે નોકરીઓમાં છટણી થશે

નવી દિલ્હી, તા.૨૫: મૂડી'ઝ એનલિટિકસે ચેતવણી આપી છે કે કોરોના વાયરસને કારણે વૈશ્વિક આર્થિક સુનામી આવી પડી છે. અનેક દેશોમાં આ વાયરસ ફેલાઈ ગયો છે અને તેને કારણે વ્યાપક પ્રમાણમાં લોકડાઉન કરી દેવું પડ્યું છે. ચીનમાં જે થયું તેના પરથી અંદાજ આવે છે કે કોરોનાને કારણે વૈશ્વિક સ્તરે મોટો આર્થિક ફટકો પડશે.

મૂડી'ઝ એનલિટિકસના ચીફ ઈકોનોમિસ્ટ માર્ક ઝેન્ડીએ એક રિપોર્ટમાં લખ્યું છે કે અગાઉ ચીન અને એશિયામાં કોરોના વાયરસ સ્વરૂપે ત્રાટકેલી આર્થિક સુનામી યુરોપમાં પણ ફરી વળી અને હવે અમેરિકાના અર્થતંત્રને ધમરોળી રહી છે. તેને કારણે આવશ્યક સેવાઓ સિવાયની મોટાભાગની સેવાઓ અને બિઝનેસ શટડાઉન થઈ ગયા છે. આ પ્રકારે શટડાઉન અભૂતપૂર્વ છે. અમેરિકામાં ૯/૧૧ આતંકવાદી હુમલા વખતે આવું થયું હતું. પરંતુ તે વખતે પણ માત્ર એક કે બે દિવસ પૂરતું જ શટડાઉન રહ્યું હતું. એરલાઈન્સ અને કેટલીક સેવાઓ સિવાય ત્યારે બાકીના બિઝનેસ ચાલુ રહ્યા હતા.

મૂડી'ઝે કોરોના પહેલાં વૈશ્વિક રિયલ જીડીપી ગ્રોથનો ચાલુ વર્ષનો અંદાજ ૨.૬ ટકા કર્યો હતો. તેમાં હવે તેણે ૦.૪ ટકાનો ઘટાડો કર્યો છે. તેણે કહ્યું છે કે હજી વધુ નાણાકીય પીડા તો હવે સહન કરવાની છે. તેમાં મોટાપાયે નોકરીઓમાંથી છટણી થશે, કંપનીઓનું નવું રોકાણ ઘટી જશે. તેણે કહ્યું વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો પણ આ સમસ્યા સામે લડવામાં નબળી સાબિત થઈ રહી છે કારણ કે હવે અનેક દેશોમાં વ્યાજના દર પણ શૂન્ય કે શૂન્યની નજીક આવી ગયા છે.

ઝેન્ડીએ કહ્યું હતું કે હવે જવાબદારી સરકારો પર આવી પડી છે. સરકારોએ લોકોને અને કંપનીઓને સીધી રાહત આપવી પડશે. જે-તે દેશોમાં કોરોનાનો કેટલો કેર વર્તાયો તેના આધારે ત્યાં કેટલું આર્થિક નુકસાન થયું તેનો આધાર રહેશે.

મૂડી'ઝ એનલિટિકસે ઉમેર્યું હતું કે આર્થિક સુનામીનો બીજો તબક્કો એવા વર્ગમાંથી આવશે જેમની સંપત્ત્િ।માં ભારે ધોવાણ થઈ ગયું છે. સુનામીનો ત્રીજો તબક્કો બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટમાંથી મોટાપાયે નાણાં પાછા ખેંચવામાંથી આવશે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચાલી જ રહ્યું છે, બ્રેકિઝટને કારણે મોટાપાયે અસર થઈ છે અને બીજા અનેક ભૌગોલિક રાજકીય મુદ્દા પણ છે. પરંતુ કોરોના વાયરસ આ બધાથી વધારે અસર કરે તેવો છે. તેને કારણે અનેક કંપનીઓ નાદાર થઈ જશે એ પાકું છે. તેને કારણે રોકાણનો માહોલ ખરાબ થશે અને તેને લીધે ભવિષ્યમાં આર્થિક રિકવરી પર અસર થશે. જોકે આ સાથે મૂડી'ઝે કહ્યું છે કે એશિયામાં કોરોનાની અસર ભલે વ્યાપક થઈ હોય, પરંતુ આર્થિક રિકવરી પણ સારી જોવા મળશે. ૨૦૨૦માં જીડીપી ગ્રોથ સાધારણ રહેશે. જોકે ચીનના અર્થતંત્રમાં જોરદાર રિકવરી જોવા મળશે. ૨૦૨૦ના અંત સુધીમાં જ તેમાં રિકવરી આવી જશે તેમ તેણે કહ્યું હતું.

જોકે વૈશ્વિક સ્તર પર નિરાશાજનક ચિત્ર જોવા મળશે. કોરોના વાયરસ કયાં જઈને અટકશે અને તેને કારણે કેવી સમસ્યા સર્જાશે તેના પર બધું નિર્ભર છે. કંપનીઓનું દેવું પણ ખાસ્સું વધી જશે.

(3:28 pm IST)