Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

અમેરિકામાં એક જ દિવસમાં ૧૦ હજારથી વધુ કેસ નોંધાતા ટ્રમ્પ ટેન્શનમાં

અમેરિકામાં સોમવાર સુધી કોરોના વાયરસના ૪૩,૭૦૦થી વધુ કન્ફર્મ્ડ કેસો મળ્યા છે

વોશિંગ્ટન, તા.૨૫: અમેરિકામાં એક જ દિવસમાં કોરોના વાયરસને કારણે પહેલી વખત ૧૩૦થી વધુના મોત થતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વના મેડિકલ પુરવઠા અને વ્યકિતગત રક્ષણાત્મક ઉપકરણની સંગ્રહખોરી અટકાવવા માટે એક એકિઝકયુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આમ હવે આમ કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.

અમેરિકામાં સોમવાર સુધી કોરોના વાયરસના ૪૩,૭૦૦થી વધુ કન્ફર્મ્ડ કેસો મળ્યા છે. જોકે ચિંતાની વાત એ છે કે એક જ દિવસમાં ૧૦,૦૦૦થી વધુ કેસો નોંધાયા હતા. આની સામે ૧૩૯ મોત થતાં સોમવાર રાત સુધી મૃત્યુઆંક વધીને ૫૫૦ને પાર કરી ગયો છે. એકિઝકયુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે તેમની સરકાર મહત્વના તબીબી અને હેન્ડ સેનિટાઇઝર્સ અને ફેસ માસ્કસ જેવાવ્યકિતગત રક્ષણ માટેના ઉપકરણોના સંગ્રહ કરનાર અને વધુ પૈસા લેનાર સામે પગલા લેશે. ન્યાય વિભાગ આ બીમારીને લગતી છેતરપિંડીવાળી સ્કીમો સામે આક્રમકરીતે કામ ચલાવશે તેમ જણાવતાં ટ્રમ્પે કહ્યું હતું કે 'અત્યંત સીધી વાત છે. અમે કોઇને પણ તેમના લાભ માટે અમેરિકાના નાગરિકોને મુશ્કેલીમાં શોષણ નહિ કરવા દઇએ.' આરોગ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી છે કે કોરોનાને લગતી હોનારતમાં આગામી દિવસોમાં નોંધપાત્ર વધારો થઇ શકે છે.

(3:27 pm IST)