Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રૂપાણી સરકારનો સંવેદનાભર્યો મહત્વપૂર્ણ નિર્ણય : ગુજરાતના ૬૦ લાખ પરિવારોને રેશનકાર્ડ પર ઘઉં, ચોખા, દાળ, ખાંડ મફત

21 દિવસના રાષ્ટ્રીય લોકડાઉનના પગલે માનવતાવાદી નિર્ણય કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી : લોકોને જીવન જરૂરી ચીજોનો સંગ્રહ ન કરવા અને સૌ ને ઘર માજ રહેવા કરી અપીલ

ગાંધીનગર તા. ૨૫ : વડાપ્રધાને કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં સમગ્ર દેશમાં ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા પરિવારો પ્રત્યે સંવેદના દાખવી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આવા કારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ ૬૦ લાખ જેટલા પરિવારોના ૩.રપ કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે આ રેશનકાર્ડ ધારક પરિવારોને ૧ એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજયની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ ૩.પ૦ કિલો ઘઉં, વ્યકિત દીઠ ૧.પ૦ કિલો ચોખા અને કુટુંબ દીઠ ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠુ વિનામૂલ્યે અપાશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણથી નાગરિકોને બચાવવા લોકડાઉનની જાહેરાત પ્રધાનમંત્રીશ્રીએ કરી છે તે સ્થિતીમાં આવા નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સંવેદના સાથે રાજય સરકારે ચિંતા કરીને આ મહત્વનો નિર્ણય કર્યો છે.ઙ્ગ જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કે અન્ય કોઇ પણ આવશ્યક સેવાઓમાં ભવિષ્યમાં પણ કોઇ તકલીફ ન પડે તે માટે રાજય સરકાર પૂરી ગંભીરતાથી આયોજન કરી રહી છે એમ પણ તેમણે જણાવ્યું છે.ઙ્ગ

શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌ નાગરિક ભાઇ-બહેનોને ફરી એકવાર અપિલ કરી છે કે આ ર૧ દિવસ દરમિયાન સૌ ઘરમાં જ રહે, બહાર ભેગા ન થાય, આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રાજયમાં પુરતી માત્રામાં છે એટલે તેનો સંગ્રહ કરવા કે આવી ચીજવસ્તુઓ મળશે નહિ તેવો ડર રાખવાની કોઇ જરૂર નથી.

રેશનકાર્ડની દુકાન પર ભીડ ન લાગે તે રીતની વિતરણ વ્યવસ્થા સરકાર હવે પછી જાહેર કરશે.

(5:54 pm IST)