Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લાપરવાહીને કારણે અમેરિકામાં સંકટ વધ્યું

પ૬૦ના મોતઃ ૪૪૦૦૦ સંક્રમિતઃ ૧ દિ'માં ૧૦,૦૦૦ કેસ આવ્યા : સ્વાસ્થ્ય એજન્સીની બેદરકારીને કારણે દર્દીઓ વધ્યાનો આરોપ

વોશીંગ્ટન તા. રપ :.. અમેરિકામાં કોરોના વાયરસથી પરિસ્થિતિ બગડવા પાછળ દેશની ટોચની આરોગ્ય એજન્સીના સ્તરે થયેલ ભારે બેદરકારીને મુખ્ય કારણ ગણાવાઇ રહયું છે. ન્યુઝ એજન્સી એસોસીએટેડ પ્રેસની સમિક્ષામાં જાણવા મળ્યું કે જંગલમાં લાગેલી આગની જેમ આ મહામારીને આખા અમેરિકામાં ફેલાવા દેવાઇ હતી. અમેરિકામાં અત્યાર સુધીમાં ૪૪ હજાર લોકો સંક્રમીત થઇ ગયા છે અને પ૬૦ ના મોત થયા છે. એક દિવસમાં જ દસ હજારથી વધારે નવા કેસો જાહેર થયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જરૂરી મેડીકલ સાધનો અને સુરક્ષાત્મક ઉપકરણોની સંગ્રહખોરીને રોકવા માટે એક આદેશ પર સહી - સિકકા કર્યા છે.

ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં અમેરિકન નાગરીકોને વિશ્વાસ આપ્યો હતો કે સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા વિકસીત કરવામાં આવેલ તપાસ સારી છે. કોઇપણ તપાસ કરાવી શકે છે. પણ લગભગ બે મહિના પહેલા પહેલો કેસ જાહેર થયા પછી પણ હજુ સુધી અમેરિકામાં કેટલાય લોકોની તપાસ નથી થઇ. અમેરિકન હેલ્થ એજન્સી સીડીસીના આંકડાઓથી  જાહેર થાય છે કે ગયા ફેબ્રુઆરીમાં કોરોના વાયરસ જયારે આ દેશમાં પોતાના મુળીયા ફેલાવી રહયો હતો તે વખતે સરકારી લેબમાં ફકત ૩પર લોકોની તપાસ થઇ હતી. અમેરિકામાં છેલ્લા મહિના દરમ્યાન સરેરાશ રોજના ૧ર વ્યકિતની તપાસ થઇ હતી. હવે આરોગ્ય અને માનવ સેવા વિભાગ પોતાની ભૂલોનું મુલ્યાંકન કરવા માટે આંતરિક સમીક્ષામાં લાગી ગયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ ધેબરેસસે કહયું કે તમે આંખે પાટા બાંધીને આનો મુકાબલો ન કરી શકો.

(1:08 pm IST)