Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકડાઉનનો પ્રથમ દિવસ

ભંગ બદલ બે વર્ષની કેદઃ લોકોમાં પેનિક

૨૧ દિવસના જાહેર થયેલા લોકડાઉનના પ્રથમ દિવસે લોકોમાં ભારે ઉચાટ-દહેશત-ભયઃ પેટ્રોલ પંપ, કરીયાણાની દુકાનો, દૂધની દુકાનો ખુલી, બેન્કો ચાલુ : તેલંગણાના મુખ્યમંત્રીની ચેતવણીઃ ઘરની બહાર નિકળશો તો ગોળી મારી દેશુ : નિયમનો ભંગ કરનાર સામે સરકારે નક્કી કરી સજા અને દંડઃ કલમ ૫૧ હેઠળ કાર્યવાહીઃ લોકોના મોઢે એક જ સવાલ...૨૧ દિવસ કાઢવા કેમ ?

કાનપુરમાં લોકડાઉન દરમ્યાન બહાર નીકળેલા લોકોને પોલીસે આ પ્રકારની સજા કરાવી હતી.

નવી દિલ્હી, તા. ૨૫ :. દેશભરમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આવતા ૨૧ દિવસ સુધી લોકોએ ઘરમાં રહેવાનુ છે. લોકડાઉનનો આજે પ્રથમ દિવસ છે ત્યારે લોકોમાં ભય, ઉચાટ અને પેનિક જણાય રહ્યા છે. જ્યાં સુધી જરૂરી હોય તો જ ઘરની બહાર નિકળવું નહિતર સજા અને દંડ થશે. જેમાં સજાને એક મહિનાથી બે વર્ષ સુધી વધારી શકાશે. સરકારે સજા અને દંડ નક્કી કર્યા છે. આ સિવાય તેલંગણાના સીએમ ચંદ્રશેખર રાવે આકરી ચેતવણી આપી છે કે લોકો એવી સ્થિતિ ન બનાવે કે અમારે શુટ એટ સાઈટના ઓર્ડર આપવા પડે. પીએમ મોદીએ ગઈકાલે રાત્રે દેશમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.

૨૧ દિવસના લોકડાઉન દરમિયાન નિયમ અને ગાઈડલાઈન્સ નહિ માનનારા પર ડીઝાસ્ટર મેનેજમેન્ટની કલમ ૫૧ હેઠળ કાર્યવાહી થશે. જેમાં સજા અને દંડ બન્નેની વાત છે. લોકડાઉન નહિ માનનારા પર ૨૦૦ રૂ.નો દંડ અને સાથે ૧ મહિનાની સજા થશે, પરંતુ આના કારણે કાનૂની વ્યવસ્થામાં જો મુશ્કેલી પડે અને તોફાનોની સ્થિતિ થાય તો આ સજા ૬ મહિના સુધી લંબાવી શકાશે. ઓર્ડરમાં જણાવાયુ છે કે જો ઓર્ડર ન માનવાથી કોઈનો જીવ જાય, ખતરો પેદા થાય તો દોષિત જણાય તો જેલ થશે.

ગૃહ મંત્રાલયના ઓર્ડરમાં જણાવાયુ છે કે કોરોના અંગે કોઈ અફવા ફેલાવા તો એક વર્ષની સજા થઈ શકે છે. સાથોસાથ દંડ પણ થશે. લોકોની સહાયતા માટે આપવામાં આવેલા ફંડમાં ગોટાળો કરનારને બે વર્ષની સજા થશે. લોકડાઉન અંગે તેલંગણાના સીએમએ આકરી ચેતવણી આપી છે. જો કોઈ બહાર નિકળશે તો શુટ એટ સાઈટ કરવામાં આવશે. જો ઉલ્લંઘન થશે તો ૨૪ કલાકના કર્ફયુ જાહેર કરાશે. પીએમ મોદીએ લોકોને ઘરમાં રહેવા જ કહ્યુ છે.  લોકોમાં લોકડાઉનને લઈને રાશન અને ખાવાપીવાના સામાનને લઈને ચિંતા છે. લોકડાઉનની જાહેરાત બાદ લોકો દુકાન પર ઉમટી પડયા હતા. જો કે સરકારે કહ્યુ છે કે કોઈ ચીજોની અછત નહિ થાય અને લોકો સુધી માલ પહોંચતો રહેશે. સરકારે કહ્યુ છે કે લોકો નિયમનો ભંગ ન કરે. સરકારે કહ્યુ છે કે કોઈ પેનિક ન રાખે છતા આજે સવારે દૂધ અને રાશન લેવા લોકો બહાર નિકળ્યા હતા.

(11:35 am IST)