Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કેનેડા -અમેરિકાની સરકારે પણ ભારત જેટલી ઝડપથી નિર્ણયો નથી લીધા

ભારતમાં મોટો સુમદાય આ સમસ્યાને હળવાશથી લઇ રહ્યો છે આનાથી વધારે દુઃખ બીજુ શું હોય? : કેનેડામાં વડાપ્રધાનનાં પત્નિને પણ 'કોરોના' થયો છતાં સરકારે મોટાભાગના નિર્ણયો ઇકોનોમી બચાવવા લીધા

રાજકોટઃ ૨૨ માર્ચ સુધીમાં સમગ્ર ભારતમાં કોરોનાના જેટલા કેસ નથી એના કરતાં વધારે તો કેનેડાના એકલા ઓન્ટેરિઓ રાજયમાં છે. જયાં હું રહું છું.ઙ્ગ બીજી વાત, સમગ્ર કેનેડાની જેટલી વસ્તી છે એના કરતાં વધારે તો ખાલી ગુજરાતની વસ્તી છે. છતાં, અહીંયા માત્ર એક રાજયમાં આખા ભારત કરતા કોરોનાના દર્દી વધારે છે.

કેનેડાના વડાપ્રધાનની પત્નીને પણ કોરોના થયો. પછી, સામાન્ય પ્રજા તો કયાંથી બચી શકે ? અહીંયા આટલી ગંભીર સમસ્યા હોવા છતાં હજુ સુધી ભારત સરકારની સરખામણીએ કેનેડાની સરકારે કોઈ નક્કર અને અસરકારક પગલાં ભર્યા નથી. કેનેડાની સરકારના મોટાભાગનાં નિર્ણયો અહીંયાંની ઇકોનોમીને કેમ બચાવવી એના અનુસંધાને જ આવ્યા છે. કોરોનાને કેમ દૂર કરવો એના કરતાં ઇકોનોમી કેમ બચાવવી એની ચિંતા અહીંયા વધારે છે. આમ પણ પશ્યિમે હંમેશા પૈસાને વધારે મહત્ત્વ આપ્યું છે. પૂર્વએ હંમેશા પ્રેમને મહત્વ આપ્યું છે.

તમે લોકો ખરેખર નસીબદાર છો કે તમે અત્યારે એવા દેશમાં છો જેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાણી પહેલા પાળ બાંધી છે. તેમના માટે અત્યારે સૌથી પહેલો ધ્યેય દેશને કોરોનામુકત કરવાનો છે. કેનેડાની કે અમેરિકાની સરકારે પણ ભારત જેટલી ઝડપથી અમુક અસરકારક નિર્ણયો નથી લીધા.

છતાં, દુઃખ સાથે કહેવું પડે છે કે આપણી પ્રજા જ આ વાયરસને ગંભીરતાથી લેતી નથી. જનતા કરફ્યુના દિવસે અમુક વિસ્તારમાં જે રીતે સમૂહમાં થાળીગરબા રમવામાં આવ્યા એ ખુબજ દુઃખદ બાબત છે. ખુદ વડાપ્રધાને આજે ટ્વિટ કર્યું કે લોકડાઉનને હજુ કેટલાય લોકો ગંભીરતાથી નથી લેતા. મોદી સાહેબે વિનંતી કરી કે સરકારના આદેશોનું ગંભીરતાથી પાલન કરો અને પોતાને તથા પોતાના પરિવારને બચાવો.

સમગ્ર વિશ્વ અત્યારે આ સમસ્યા સામે લડી રહ્યું છે. ભારતની કેન્દ્ર સરકાર અને રાજયની સરકારો, મેડિકલ સ્ટાફ, સરકારી અધિકારીઓ, પોલીસ-આર્મીના જવાનો, સોશ્યિલ વર્કર, વગેરે લોકો આપણા દેશને બચાવવા રાતદિવસ જોયા વગર કામ કરી રહ્યા છે. પણ દેશનો એક બહુ મોટો સમુદાય આ સમસ્યાને હજું પણ હળવાશથી લઇ રહ્યો છે. આનાથી વધારે દુઃખદ બીજું શું હોય ?

કેનેડાનાં ઓન્ટેરિયો રાજયનાં ટોરોંટો શહેરમાં અમે ૪ રૂમના એપાર્ટમેન્ટમાં ૮ લોકો રહીએ છીએ. મારા કઝીનને બાદ કરતાં બાકી તમામ લોકો એક બીજાને માંડ ૩-૪ મહિનાથી ઓળખે છે. તમામ લોકોના પરિવાર, શહેર, સ્વભાવ બધું જ અલગ અલગ. અરે, ભાષા પણ અલગ છે . એમાં ૩ કાઠિઙ્ગયાવાડી, ૩ અમદાવાદી અને ૨ ઉત્ત્।ર ગુજરાત વાળા.છતાં, એકજ છત નીચે હળી-મળીને એક પરિવારની જેમ અમે રહીએ છીએ. છેલ્લા એક અઠવાડિયાથી કોઈ ઘરની બહાર નિકળ્યું નથી. ઘરમાં રહીને સ્વાદિષ્ટ ભોજન બનાવીએ, ગમતા પિકચર ને સિરીઝ જોઈએ, ગેમ્સ રમીએ અને બાકીના સમયમાં ઘરની સાફ-સફાઈ કરીએ.ઙ્ગ

અમારો પરિવાર અહીંયા નથી છતાં પણ અમે પરીવારની જેમ ઘરમાં જ રહીએ છીએ. જયારે, તમારે બધાને તો પરિવારનો સાથ છે. તમે જે ઘરમાં વર્ષોથી રહો છો ત્યાંજ તમારે રહેવાનું છે. તમારા ગામમાં તમારા મિત્રો, સગા વહાલા, પરિચિતો, આડોસી પાડોશી, અરે....શેરીનાં કૂતરાં પણ તમને ઓળખે છે.

અમારે અહીંયા તો પડોશમાં કોણ રહે છે એજ ખબર ન હોય. પરિવાર નથી. છતાં પણ અમે એક અઠવાડિયાથી ઘરમાં જ છીએ. અને હજું પણ ઘરમાં જ રહેવાના છીએ. તો તમને લોકોને ઘરમાં રહેવામાં શું વાંધો છે ? તમારે તો અમારા જેવી કોઈ સમસ્યા નથી ને ?

યાદ રાખજો ! પોતાના પરિવાર સાથે અને પોતાની જાત સાથે આવો એકાંતનો સમય પસાર કરવાનો બીજો મોકો આ ભવમાં કદાચ નહીં આવે. એને માણવાનું અને દેશને બચાવવાનું ચૂકશો નહીં.

(11:33 am IST)