Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકડાઉન ઇફેકટ

જીવનજરૂરી ચીજોની અછત સર્જાવાના એંધાણ

દવાઓ અને ડેરી પ્રોડકટની સપ્લાયને અસર પડશે

નવી દિલ્હી તા. ૨૫ : લોકડાઉનના કારણે દેશભરમાં જરૂરી સામાનના સપ્લાય પર અસર થશે અને તેનાથી નિપટવું સહેલું નહી હોય. સ્ટાફની અછતના કારણે ગ્રાહકો અને જરૂરી સેવાઓ આપતા વેપારીઓને સપ્લાય મળવામાં મોટી મુશ્કેલી થઇ. જો પોલિસ અને પ્રશાસનને આ બાબતે સ્પષ્ટ આદેશો નહીં અપાય તો પરિસ્થિતિ બગડી શકે છે. ઇટીના રિપોર્ટરોએ મોટા સંકટ તરફ ઇશારો કરી રહેલ જમીનની હાલત જાણવા માટે દેશભરમાં વેપારીઓ અને ગ્રાહકો સાથે વાત કરી કોમ્યુનિટી પ્લેટફોર્મ લોકલ સર્કલ્સ તરફથી કરાવવામાં આવેલ સર્વે અનુસાર ઓફલાઇન અને ઓનલાઇન ચેનલ દ્વારા જરૂરી સામાનની ઉપલબ્ધતા ઘટી રહી છે.

સર્વે અનુસાર, ૨૦-૨૨ માર્ચ વચ્ચે ૩૫ ટકા લોકોને ઇ-કોમર્સ સર્વિસીઝ દ્વારા જરૂરી સામાન નથી મળી શકયો. ૨૩થી ૨૪ માર્ચ વચ્ચે આવાલોકોની ટકાવારી વધીને ૭૯ ટકાએ પહોંચી હતી. જે લોકોને જરૂરી સામાન રીટેલ સ્ટોર પર નહોતો મળી શકતો, તેમની ટકાવારી ૨૦-૨૨ માર્ચે ૧૭ ટકા હતી, જે ૨૩ - ૨૪ માર્ચે વધીને ૩૨ ટકા થઇ ગઇ હતી.

ગ્રોફર્સના અલવિંદર ઢીંઢસાએ ગઇકાલે ટ્વીટ કર્યું, 'અમારા @grobersના ફરીદાબાદના ગોદામને આજે સ્થાનિક સત્તાવાળાઓએ બંધ કરાવી દીધો. અમે સમજીએ છીએ કે તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે પણ તેના લીધે ફરીદાબાદ અને દિલ્હીના ૨૦ હજારથી વધારે પરિવારોને જીવન જરૂરીયાતની રોજીંદી સામગ્રી નહી મળે. આ સમસ્યા દુર કરવા માટે અમારે તમારી મદદની જરૂર છે.'

(11:25 am IST)