Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકડાઉન દરમિયાન

બહાર નીકળવું પડે તો કઇ - કઇ કાળજી રાખવી?

નવી દિલ્હી તા. ૨૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ વધુ ન ફેલાય તે માટે સમગ્ર દેશમાં ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉન દરમિયાન તેમણે લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે. જોકે, આ દરમિયાન દૂધ, શાકભાજી, હોસ્પિટલ, મેડિકલ સ્ટોર્સ અને કરિયાણા જેવી જીવન જરૂરી વસ્તુઓની દુકાનો ચાલુ રહેશે. લોકડાઉન દરમિયાન આપણે ઘરની બહાર નથી નીકળવાનું પરંતુ જીવન જરૂરી વસ્તુઓની જરૂર પડે અને તે માટે બહાર નીકળવું પડે તો ખાસ કાળજી રાખવી જોઈએ. તેના માટે આપણે કેટલીક બાબતોનું પાલન કરી શકીએ છીએ.

એક જ વ્યકિત

આપણા પરિવારમાંથી કોઈ પુખ્ત વયની વ્યકિતને નક્કી કરીએ જે બહાર જાય. પરંતુ બાદમાં ફકત તે જ વ્યકિત (મહિલા કે પુરૂષ) જ બહાર જાય તેના સિવાય કોઈ નહીં.

એક જ ડ્રેસ

જયારે પણ તમે બહાર જાઓ ત્યારે એક જ ડ્રેસનો ઉપયોગ કરો. બને તો ફૂલ લેન્થના ડ્રેસનો ઉપયોગ કરો. તે ડ્રેસને તમારા અન્ય ડ્રેસ સાથે રાખો નહીં.

એક પાકિટ

ફકત એક જ પાકિટનો ઉપયોગ કરો. તે પાકિટમાં રહેલા સિક્કા, ચલણી નોટો અને કાર્ડને ઘરે રહેલા અન્ય પાકિટમાં રાખશો નહીં.

એક શોપિંગ બેગ

ખરીદી કરવા જાઓ ત્યારે પ્રત્યેક સમયે એક જ બેગનો ઉપયોગ કરો.

એક વ્હીકલ

એક જ વ્હીકલ અને ચાવીનો ઉપયોગ કરો. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ ટાળો

એક જ વખત બહાર જાઓઃ ખરીદી કરવાની જરૂર પડે તો ફકત એક જ વખત જાઓ, શકય હોય તે જેટલી વસ્તુ લાવવાની હોય તે એક જ વખતે લાવી દઈએ.

– મોબાઈલ ફોનને લઈ જવાનો ટાળો અથવા તો તેનો મર્યાદિત ઉપયોગ કરો

– ટોળમાં જવાનું ટાળો અને શકય હોય તો કામ પૂરૂ કરીને તાત્કાલિક ઘરે આવી જાઓ

– દરવાજો ખોલવા માટે તમારા મુખ્ય હાથ ન હોય તેનો અથવા તો કોણી વડે દરવાજો ખોલો અથવા તો બટન દબાવો

ઘરે આવી ગયા બાદ

તમારા કપડા, પાકિટ, બેગ્સ, ચાવીઓ અલગ બેગમાં રાખો, તેને અન્ય સાથે ભેગી ના કરો. ઘરમાં આવ્યા બાદ કોઈ પણ વસ્તુ કે વ્યકિતને અડતા પહેલા તમારા હાથ અને મોઢુ ધોવો. સેનિટાઈઝરની મદદથી તમારા મોબાઈલ ફોનની સ્ક્રીન અને બેકસાઈડને સાફ કરો. શકય હોય તો મોબાઈલ લઈ જવાનો ટાળો.

યાદ રાખો કે આપણે બહાર જવાનું કદાચ ટાળી શકીએ નહીં પરંતુ ઓછુ કરી શકીએ છીએ. કોરોના વાયરસ વ્યકિતથી વ્યકિતના સંપર્કમાં આવે છે. તેથી સાવચેતી રાખવી ઘણી જરૂરી છે. વડાપ્રધાન મોદીએ પણ વિનંતી કરી છે કે આગામી ૨૧ દિવસ દરમિયાન ઘરની બહાર ન નીકળીએ. જો એક વખત પરિસ્થિતિ વકરી જશે તો તેને કાબૂમાં લેવી મુશ્કેલ થઈ જશે. તેમણે કહ્યું છે કે ઈટાલી અને યુરોપના સમૃદ્ઘ દેશોની પરિસ્થિતિ આપણે જોઈ ચૂકયા છીએ. તેથી ઘરની બહાર ન નીકળો અને સંપૂર્ણ પણે લોકડાઉનનું પાલન કરો.

(11:20 am IST)