Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

વિશ્વભરમાં કોરોનાથી ૧૭,૫૦૦થી વધુના મોત : યુએસમાં ૫૦,૦૦૦ લોકો સંક્રમિત

જીવલેણ કોરોના યુરોપ અને અમેરિકા સહિતના દેશો પર વધુ વિનાશક બની રહ્યો છે

નવી દિલ્હી તા. ૨૫ : કોરોનાવાયરસનો ભરડો વિશ્વનાં ઘણા દેશોમાં પહોંચી ચૂકયો છે. વિશ્વનાં ઘણા દેશો આ બાબતે લડવા માટે સજ્જ છે. ત્યારે આ જીવલેણ કોરોનાવાઈરસનો પ્રકોપ યુરોપ અને અમેરિકા સહિતના દેશો પર વધુ વિનાશક બની રહ્યો છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી ૧૭,૦૦૦થી વધુનાં મોત નીપજયાં છે જયારે ચાર લાખથી વધુ કેસ નોંધાયા છે. ઈટાલીમાં એક જ દિવસમાં ૭૪૩થી વધુનાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૬,૮૨૦થી વધુ થઈ ગયો છે. કોરોના વાઈરસના મૂળ એવા ચીન કરતાં પણ ઈટાલીમાં મૃત્યુઆંક લગભગ બમણો થઈ ગયો છે. સ્પેનમાં પણ એક જ દિવસમાં અંદાજે ૫૦૦ જેટલાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૮૦૦ થઈ ગયો છે. બીજીબાજુ અમેરિકામાં પણ કોરોનાનો ભરડો વધાર્યો છે, જયાં એક જ દિવસમાં ૫૮૦૦થી વધુ નવા કેસો સાથે લગભગ ૫૦,૦૦૦ કેસ નોંધાયા છે. અહીં કુલ મૃત્યુઆંક ૬૨૨ થયો છે.

ચીનમાં સૌપ્રથમ વખત ક્રૂરતા દેખાયા પછી કોરોના વાયરસ લગભગ ત્રણથી ચાર મહિનાના સમયમાં વિશ્વના ૧૭૫થી વધુ દેશોમાં પ્રસરી ગયો છે. આ સમયમાં વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧૭,૫૦૭ થઈ ગયો છે જયારે ૪,૦૨,૧૫૯ કેસ નોંધાયા છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાન ૨૩,૦૦૦ નવા કેસ નોંધાયા છે જયારે ૧,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. ચીનની બહાર કોરોનાની સૌથી ગંભીર અસર યુરોપમાં ઈટાલી, સ્પેન, જર્મની જયારે મધ્ય-પૂર્વમાં ઈરાન પર જોવા મળી છે. ઈટાલીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત એક જ દિવસમાં ૫૦૦થી વધુ લોકોનાં મોત નીપજી રહ્યાં છે.

ઈટાલીમાં મંગળવારે એક જ દિવસમાં ૭૪૩નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૬૮૨૦ થઈ ગયો હતો જયારે ૫,૨૪૯ નવા કેસો સાથે કુલ ૬૯,૧૭૬ કેસ નોંધાયા છે. ઈટાલીમાં ફેબુ્રઆરીમાં કોરોનાથી સૌપ્રથમ મોત થયું હતું અને માત્ર બે જ મહિનાના સમયમાં તેનો મૃત્યુઆંક ચીન (૩૨૭૭) કરતાં વધી ગયો છે. ઈટાલી પછી યુરોપમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ સ્પેનની છે જયાં સતત મૃત્યુઆંક અને કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના ૧૦,૦૦૦ કેસ નોંધાયા હતા.

અમેરિકામાં કોરોના પીડિત દર્દીઓની કુલ સંખ્યા ૪૯,૫૯૪ થઈ ગઈ છે અને અહીં ૬૨૨થી વધુ લોકોનાં મોત નીપજયાં છે. કોરોના વાયરસના પ્રસારની ગંભીરતાને જોતાં પ્રમુખ ટ્રમ્પે મહત્વની દવાઓના પુરવઠા અને વ્યકિતગત સંરક્ષક ઈકિવપમેન્ટના સંગ્રહ પર પ્રતિબંધ મૂકતા એકિઝકયુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી દીધા હતા. અમેરિકામાં સૌપ્રથમ વખત કોરોનાના કારણે એક જ દિવસમાં ૧૩૦થી વધુ લોકોનાં મોત નીપજયાં છે. એકિઝકયુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતાં પ્રમુખ ટ્રમ્પે દવાઓના પુરવઠા અને માસ્ક, સેનિટાઈઝર્સ જેવી વસ્તુઓના સંગ્રાહકો સામે આકરી કાર્યવાહીની ચેતવણી આપી હતી.

(11:16 am IST)