Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ભારતના ઇતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌથી મોટો નિર્ણય લેવાયો : દેશને બચાવવા રાત્રે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં 21 દિવસનો સંપૂર્ણ લોકડાઉન : ઘર બહાર નીકળવાની મનાઈ : નરેન્દ્રભાઈની જાહેરાત : કોઈપણ છૂટછાટ નહીં : ઘરમાંથી બાહર નીકળવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ : તમામ લતા-મહોલ્લા શેરીઓ લોક કરી દેવામાં આવશે : એક પ્રકારનો કર્ફ્યુ : જનતા કર્ફયુથી વધુ સખ્તાઈથી અમલ : દેશજોગ પ્રવચનમાં જાહેરાત

જો આપણે ૨૧ દિવસના લોકડાઉનનું પાલન નહીં કરીએ તો આપણે ૨૧ વર્ષ પાછળ જતાં રહીશું : ૨૧ દિવસ બહાર નિકળવાનું ભુલી જવા લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂચન

નવીદિલ્હી, તા.૨૪ :  ભારતમાં કોરોના વાયરસના વધતા જતાં કેસોને ધ્યાનમાં લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે આઠ વાગે ફરી એકવાર દેશને સંબોધન કર્યું હતું. સાથે સાથે જનતા કર્ફ્યુની સફળતા માટે દેશનો આભાર માન્યો હતો. લોકડાઉનની લાપરવાહીથી નારાજ થયેલા વડાપ્રધાને આજે દેશને બચાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી. મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, દરેક ભારતીય સંકટની આ ઘડીમાં સરકારના સ્થાનિક વહીવટીતંત્રના નિર્દેશોનું પાલન કરશે. 

૨૧ દિવસના લોકડાઉનનો સમય રાખવામાં આવ્યો છે પરંતુ આપના જીવનની સુરક્ષા માટે, પરિવારની સુરક્ષા માટે આ ખુબ મહત્વની બાબત હોવાની વાત મોદીએ કરી હતી. મોદીએ ચેતવણી આપતા કહ્યું હતું કે, આ બિમારીના લક્ષણો દરમિયાન તબીબોની સલાહ વગર કોઇપણ દવા લેવામાં ન આવે, કોઇપણ પ્રકારની રમત જીવનને વધારે ખતરામાં મુકી શકે છે. તમામ લોકોને અફવા તરફ ધ્યાન નહીં આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. 

તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં હેલ્થકેર જ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઇએ. રાજ્ય સરકારોને પણ આ સંદર્ભમાં તેઓએ ખાસ સૂચના આપી છે. માત્ર આરોગ્ય સેવાઓ જ અત્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત છે. દરેક વ્યક્તિ, પરિવારને બચાવવાની કેન્દ્ર, રાજ્ય અને વહીવટીતંત્રની જવાબદારી આવી ગઈ છે. ભારત આજે એ તબક્કા પર છે જ્યાં અમારા આજના પગલા નક્કી કરશે કે આ મોટી આફતના પ્રભાવને અમે કેટલા હદ સુધી ઓછી કરી શકીએ છીએ. 

આ લોકડાઉનની એક આર્થિક કિંમત દેશને ચુકવવી પડશે પરંતુ એક-એક ભારતીયના જીવનને બચાવવાની જવાબદારી આવી ગઈ છે. હાલમાં જે લોકો જ્યાં રોકાયેલા છે ત્યાં જ રોકાઈ રહેવાની જરૂર છે. દેશમાં આ લોકડાઉનનો ગાળો ૨૧ દિવસનો રહેશે. મોદીએ કહ્યું હતું કે, લોકડાઉનનો આ નિર્ણય તેમના માટે અને આવનાર પેઢી માટે છે. કારણ કે, જો આપણે ૨૧ દિવસના લોકડાઉનનું પાલન નહીં કરીએ તો આપણે ૨૧ વર્ષ પાછળ જતાં રહીશું. 

દેશવાસીઓને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે, હાલમાં બહાર નિકળવાનું લોકોને ભુલી જવાની જરૂર છે. દેશને બચાવવા માટે આવા કઠોર નિર્ણય લેવાની જરૂર છે. મોદીએ કહ્યું હતું કે, ૨૧ દિવસના ગાળા દરમિયાન કોઇપણ વ્યક્તિ રોડ પર નિકળવી જોઇએ નહીં. મોદીએ કહ્યું હતું કે, ઘરની બહાર પડનાર એક પગલું ખુબ ખતરનાક સાબિત થઇ શકે છે. 

બિમારીના લક્ષણ દરમિયાન પણ સાવચેતી રાખવાની જરૂર છે. કોઇપણ અફવા અને અંધવિશ્વાસથી પણ બચવાની જરૂર છે. હેલ્થકેર સર્વોચ્ચ પ્રાથમિકતા રહે તે જરૂરી છે. સોસાયટી, મોહલ્લા, માર્ગો અને જાહેર સ્થળોને સેનિટાઈઝ કરવા માટે કામમાં લાગેલા છે તેમના માટે પ્રાર્થના કરવાની જરૂર છે. તબીબો, પેરામેડિકલ સ્ટાફના લોકો એક-એક વ્યક્તિને બચાવવામાં લાગેલા છે. અમારી સામે આજ એક માર્ગ છે. બીજા વિકલ્પ રહેલા નથી. અન્ય કોઇ વિકલ્પ નહીં હોવાની વાત તેઓએ કરી હતી. 

મોદીએ આંકડાની વાત કરતા કહ્યું હતું કે, પહેલા એક લાખ લોકોને અસરગ્રસ્ત થવામાં ૬૭ દિવસ લાગ્યા હતા. ત્યારબાદ બે લાખ સુધી પહોંચવામાં ૧૧ દિવસ લાગ્યા હતા. બે લાખ લોકોથી ત્રણ લાખ સુધી આ બિમારી પહોંચવામાં માત્ર ચાર દિવસનો સમયગાળો લાગ્યો છે.

(8:45 am IST)