Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોઈ રોડ પર ના નીકળો :કોરોના વાયરસ સામે લડવાની વડાપ્રધાન મોદીની ફોર્મ્યુલા ઉપયોગી

ઘરમાં રહો, ઘરમાં રહો અને એક કામ કરો પોતાના ઘરમાં રહો : દેશભરમાં ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ

 

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ દેશમાં 21 દિવસ માટે લૉકડાઉનની જાહેરાત કરી છે. આ મહામારીને લઈને રાષ્ટ્રના નામે પોતાના બીજા સંબોધનમાં વડાપ્રધાન મોદીએ તેના નિવારણની રીત પણ સમજાવી હતી. તેમણે કોરોનાનો અર્થ સમજાવ્યો કે 'કોઈ રોડ પર ન નિકળે.' પીએમે જનતાને અપીલ કરી કહ્યું કે, 'કેટલાક લોકોની બેદરકારી, કેટલાક લોકોના ખોટા વિચાર તમારા, તમારા બાળકોના, તમારા માતા-પિતાને, તમારા પરિવારને, તમારા મિત્રોને, દેશને મોટી મુશ્કેલીમાં મુકી દેશે.'

 પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, 'હિન્દુસ્તાનને બચાવવા માટે, હિન્દુસ્તાનના દરેક નાગરિકને બચાવવા માટે આજે રાતે 12 કલાકથી, ઘરની બહાર નિકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવે છે. દરેક રાજ્યએ, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશોએ, દરેક જિલ્લા, દરેક ગામ, દરેક શેરીને લૉકડાઉન કરવામાં આવી રહ્યું છે.' તેમણે કહ્યું, 'ચોક્કસપણે આ લૉકડાઉનની એક આર્થિક કિંમત દેશે ચુકવવી પડશે. પરંતુ એક-એક ભારતીયના જીવનને બચાવવું આ સમયે મારી, ભારત સરકારની, દેશની દરેક રાજ્ય સરકારની, દરેક સ્થાનિક તંત્રની, સૌથી મોટી પ્રાથમિકતા છે, તેથી મારી તમને પ્રાર્થના છે કે આ સમયે તમે દેશમાં જ્યાં છો ત્યાં રહો.' પીએમે કહ્યું કે, આ લૉકડાઉન 21 દિવસનું હશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે રાત્રે 12 કલાકથી દેશમાં લૉકડાઉન થવા જઈ રહ્યું છે. પીએમે કહ્યું કે, આ લૉકડાઉન તમને બચાવવા, તમારા પરિવારને બચાવવા માટે લાગૂ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઘરમાંથી નિકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. પીએમે કહ્યું કે, 21 દિવસ સંભાળ ન રાખી તો ઘણા પરિવાર તબાહ થઈ જશે. 

દેશવાસીઓને અપીલ કરતા પીએમ મોદીએ કહ્યું કે, તેમની દેશવાસીઓને પ્રાર્થના છે કે તમે આ સમયે દેશમાં જ્યાં પણ હોવ, ત્યાં રહો. અત્યારની સ્થિતિ જોતા દેશમાં આ લૉકડાઉન 21 દિવસનું હશે. તેમણે કહ્યું કે, આવનારા 21 દિવસ આપણા માટે ખુબ મહત્વપૂર્ણ છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો કોરોના વાયરસના સંક્રમણની સાયકલ તોડવા માટે ઓછામાં ઓછો 21 દિવસનો સમય ખુબ મહત્વનો છે. 

(12:36 am IST)