Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ક્ષેત્રીય દળોને એનડીએમાં લાવવા માટેના પ્રયાસ તીવ્ર

નવી રણનિતી હેઠળ નવા સાથી પક્ષો સામેલ કરાશે : વાયએસઆર કોંગ્રેસ પ્રમુખ જગનમોહન રેડ્ડી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દોઢ કલાક ચર્ચા : ડીએમકે સાથે મંત્રણા શરૂ થઇ

નવી દિલ્હી, તા.૧૩ : દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ઝડપથી તેની નવી રણનિતી અમલી કરી દીધી છે. જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રિય નેતૃત્વ દ્વારા હવે ક્ષત્રીય પાર્ટીઓને એનડીએમાં લાવવા માટે પ્રયાસો શરૂ કરવામા ંઆવ્યા છે. પાર્ટીના સુત્રોએ કહ્યુ છે કે દિલ્હી ચૂંટણીના પરિણામ બાદ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિન્દ કેજરીવાલના નેતૃત્વમાં કેટલાક ક્ષેત્રીય પક્ષો ભાજપની સામે સંગઠિત થઇ શકે છે. આને ધ્યાનમાં લઇને આ રણનિતી તૈયાર કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે વાયએસઆર કોંગ્રેસના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડી સાથે આશરે દોઢ કલાક વાતચીત કરી હતી.

          આ પહેલા બે વખત તેઓ આવુ કરવાનો ઇન્કાર કરી ચુક્યા છે. આવી સ્થિતીમાં એવી અટકળો ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ આંધ્રપ્રદેશમાં રેડ્ડીની પાર્ટી અને તમિળનાડુમાં ડીએમકેની સાથે વાતચીત જારી રાખી છે. ક્ષેત્રીય દળોને એનડીએ સરકારમાં સામેલ થવાની લાલચ આપવામાં આવી રહી છે. રાજકીય નિષ્ણાંતો કહી રહ્યા છે કે ભાજપ અને વાયએસઆર કોંગ્રેસ જો એક સાથે આવે છે તો આના કારણે બે પાર્ટીને સીધો ફાયદો થઇ શકે છે. ભાજપને રાજ્યસભમાં મહત્વપૂર્ણ બિલ પાસ કરાવી દેવામાં મદદ મળી શકે છે.

        બીજી બાજુ વાયએસઆર કોંગ્રેસને રાજ્યમાંતી વિધાન પરિષદને ખતમ કરવામાં કેન્દ્રની મદદની જરૂર છે. જેમાં તેની વિરોધી પાર્ટી તેલુગુ દેશમ પાર્ટીની બહુમતિ રહેલી છે. જગન મોહન રેડ્ડીએ હાલમાં જ આંધ્રપ્રદેશમાં ત્રણ પાટનગર બનાવવા માટે બિલ રજૂ કર્યુ હતુ. જો કે આને વિધાન પરિષદને ફગાવી દેતા કામ રોકાઇ ગયુ હતુ. રાજકીય પંડિતો માને છે કે આવનાર મહિનામાં વાયએસઆર કોંગ્રેસની રાજ્યસભામાં તાકાત વધનાર છે. સાથે સાથે ભાજપને તેના સહકારની જરૂર રહેશે. એક નેતાએ કહ્યુ છે કે દિલ્હીમાં હાર બાદ ભારતીય જનતા પાર્ટીને ક્ષેત્રીય પક્ષો તરફ જોવાની ફરજ પડી રહી છે. પાર્ટી હાલમાં સાવધાન થઇ રહી છે.

(8:00 pm IST)