Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

કોંગ્રેસની ખરાબ હાલતને લઇ જ્યોતિરાદિત્ય સિંધિયા-ભૂપેન્દ્ર હુડાએ પ્રશ્નો ઉઠાવ્યા

દેશ બદલાતા નવી વિચારધારા તેમજ નવી નીતિની જરૂર : પાર્ટીમાં સર્જિકલ એક્શનની જરૂર : પૂર્વ કેન્દ્રીયમંત્રી વિરપ્પા મોઇલી

નવીદિલ્હી, તા. ૧૩ : દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીમાં જોરદાર ખેંચતાણની શરૂઆત થઇ ગઇ છે. કોંગ્રેસમાં કારમી હાર સામે સવાલ ઉઠી રહ્યા છે. હવે ભૂપેન્દ્ર હુડા અને જ્યોતિરાદિત્ય સિંધિંયાએ પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીને રણનીતિ બદલવાની સલાહ આપી છે. પીસી ચાકોના નિવેદન બાદ ભુપેન્દ્ર હુડા અને અન્ય નેતાઓએ પણ સવાલ ઉઠાવ્યા છે. દિલ્હીમાં હારની જવાબદારી સ્વિકારીને પીસી ચાકોએ પ્રભારી પદેથી રાજીનામુ આપી દીધું છે. દિલ્હીમાં સતત બીજી વખત કોંગ્રેસ પાર્ટીનું ખાતુ ખુલ્યું નથી. આંતરિક ખેંચતાણ આના લીધે જોરદારરીતે વધી ગઈ છે. કોંગ્રેસ પાર્ટીને નવી વિચારધારા અને નવી રણનીતિ ઉપર કામ કરવાની જરૂરિયાત દેખાઈ રહી છે.

          દેશ બદલાઈ રહ્યો છે જેથી દેશના લોકોની સાથે નવા તરીકાથી વિચારવા અને જોડાઈ જવાના વિકલ્પ ચકાસવા પડશે. દિલ્હી ઉપરાંત યુપી અને બિહારમાં કોંગ્રેસની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે તેમ કહીને પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું છે કે, પાર્ટીને પોતાનામાં મોટા ફેરફારની જરૂરિયાત દેખાઈ રહી છે. મોઇલીએ પણ એવી જ પ્રતિક્રિયા આપી છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી વિરપ્પા મોઇલીએ કહ્યું છે કે, પાર્ટીને જીવિત કરવા માટે સર્જિકલ એક્શનની જરૂર દેખાઈ રહી છે. એક પછી એક નેતાઓ દ્વારા પ્રસ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા અલકા લાંબાએ પણ ચૂંટણી પરિણામ આવ્યા બાદ નવી ટીમ બનાવીને મહેનત કરવાની વાત કરી છે. અલકા લાંબા ચાંદની ચોકમાંથી મેદાનમાં ઉતર્યા હતા અને તેમની કારમી હાર થઇ છે.

(7:58 pm IST)