Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

રાજકીય પક્ષો વેબસાઇટ ઉપર મૂકે નેતાઓનો ક્રિમિનલ રેકોર્ડ

રાજનીતિના અપરાધીકરણ મામલે સુપ્રિમ કોર્ટ આકરાપાણીએઃ સુપ્રિમ કોર્ટનો રાજકીય પક્ષોને આદેશ : ચૂંટણી લડતા ઉમેદવારો વિરૂધ્ધ પેન્ડીંગ ક્રિમીનલ કેસની વિગત અપલોડ કરે

નવી દિલ્હી તા. ૧૩ : સુપ્રીમ કોર્ટે એક અગત્યના આદેશમાં રાજકીય પક્ષોને કહ્યું કે તેઓ ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડની સાઇટ પર પણ અપલોડ કરે. દેશની સર્વોચ્ચ અદાલતે કડક શબ્દોમાં કહ્યું કે આ આદેશનું પાલન ના કરવા પર કન્ટેમ્પટની કાર્યવાહી કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે ગુરૂવારના રોજ રાજનીતિ ગુનાહિત રેકોર્ડવાળા ઉમેદવારો પર આ મોટો આદેશ આપ્યો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે પાર્ટીઓ ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડને અખબારો, વેબસાઇટસ અને સોશિયલ સાઇટ્સ પર પ્રકાશિત કરે. તેની સાથે જ પ્રશ્ન એ કર્યો કે આખરે પાર્ટીઓની એવી તે શું મજબૂરી છે કે આ ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા ઉમેદવારોને ટિકિટ આપે છે.

તેની સાથે જ પાર્ટીઓને પ્રશ્ન કર્યો કે આપે તેની એવી શું મજબૂરી છે કે તેઓ ગુનાહિત પૃષ્ઠભૂમિના ઉમેદવારોને ટિકિટ આપી છે. રાજકીય પક્ષોએ આવા ઉમેદવારને પસંદ કર્યાના ૭૨ કલાકની અંદર જ ચૂંટણી પંચને અનુપાલન રિપોર્ટ આપવો પડશે જેની વિરૂદ્ઘ ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. જે ઉમેદવારોની વિરૂદ્ઘ ગુનાહિત કેસ પેન્ડિંગ છે તેમના અંગે જો રાજકીય પક્ષ કોર્ટની વ્યવસ્થાનું પાલન કરવામાં અસફળ રહે છે તો ચૂંટણી પંચ તેને સુપ્રીમ કોર્ટને ધ્યાનમાં લાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે રાજકારણના અપરાધિકરણને અટકાવવા માટે એક કાર્યયોજના તૈયાર કરવા ચૂંટણી પંચને શુક્રવારે આદેશ કર્યો હતો. ન્યાયમૂર્તિ આર એફ નરીમાન અને ન્યાયમૂર્તિ રવીન્દ્ર ભટ્ટની બનેલી ખંડપીઠે ચૂંટણી પંચને કહ્યું હતું કે રાજકારણમાં અપરાધીઓના પ્રભૂત્વને ખતમ કરવા માટે એક ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવે. આ અંગે કોર્ટે જવાબ આપવા પંચને એક સપ્તાહનો સમય આપ્યો હતો. બીજીબાજુ ચૂંટણી પંચનું કહેવું છે કે ઉમેદવારો દ્વારા તેમના ગુનાહિત રેકોર્ડને લગતી માહિતી આપવાથી જ આ સમસ્યાનો ઉકેલ આવી શકે નહીં. પંચે કોર્ટના વર્ષ ૨૦૧૮માં આપેલા ચૂકાદાને યાદ અપાવ્યો હતો, જેમાં ગુનાહિત ઉમેદવારોના રેકોર્ડને ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં જાહેર કરવા કહેવામાં આવ્યું હતું.

દેશની સંસદમાં અત્યારે ૪૩ ટકા સાંસદો પર કેસ છે. એટલે કે ૫૪૨ સાંસદ પૈકી ૨૩૩ સાંસદો સામે કેસ નોંધાયેલા છે. આ પૈકી ૧૫૯ એટલે કે ૨૯ ટકા સાંસદો સામે હત્યા, દુષ્કર્મ અને અપહરણ જેવા ગંભીર કેસ નોંધાયેલા છે.

ભાજપના ૩૦૩ સાંસદ પૈકી ૧૧૬ સાંસદો સામે ગુનાહિત કેસ ચાલી રહ્યા છે. જયારે કોંગ્રેસના ૫૨ પૈકી ૨૯ સાંસદ સામે ગુનાહિત કેસ થયેલા છે. આ ઉપરાંત લગભગ તમામ પક્ષોમાં કલંકિત સાંસદો છે. BSPના ૧૦ સાંસદ પૈકી પાંચ, JDUના ૧૬ પૈકી ૧૩, તૃણમુલ કોંગ્રેસના ૨૨ પૈકી નવ, CPI (M)ના ત્રણ પૈકી બે સાંસદો સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે.

અગાઉના ગૃહ એટલે કે ૧૬મી લોકસભામાં ૧૮૫ સાંસદ સામે કેસ નોંધાયેલા હતા.એટલે કે ૩૪ ટકા સાંસદો સામે કેસ નોંધાયા હતા. ૧૧૨ સાંસદો વિરુદ્ઘ ગંભીર કેસ નોંધાયા હતા.

(4:19 pm IST)