Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

૨૫ વિદેશીઓનું ડેલીગેશન કાશ્મીરના ચીફ જસ્ટીસ- ઉપ રાજયપાલને મળશે

કેનેડા- ઓસ્ટ્રેલીયા- ઉઝબેકિસ્તાન- યુગાન્ડા- જર્મની- નેધરલેન્ડ- ડેન્માર્ક- ઈટલી સહિતનાઃ અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા બાદ વિદેશી પ્રતિનિધિમંડળનો આ ત્રીજો પ્રવાસઃ પહેલા દિવસે તમામ ડેલિગેટ્સે ઘાટી અને ડાલ સરોવરની મુલાકાત લઈ વેપારી સમુદાયો અને નેતાઓને મળ્યા

જમ્મુઃ ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા બાદથી ૨૫ વિદેશી પ્રતિનિધિમંડળનું બીજી સત્તાવાર ટીમ આજે બીજા દિવસે જમ્મુનો પ્રવાસ કરી રહી છે.સૌથી પહેલા તેમણે ચિનાર કોર્પ્સ કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લન સાથે મુલાકાત કરી હતી. ડેલિગેટ્સને રાજયની સુરક્ષાની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવશે. હવે તમામ સભ્યો જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ. ઉપરાજયપાલ ગિરીશ ચંદ્ર મુર્મૂ અને જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ તમામ ડેલિગેટ્સનો અન્ય સિવિલ સોસાઈટીના સભ્યો સાથેની મુલાકાત પણ એક કાર્યક્રમ છે.આ પહેલા ગઈકાલે પહેલા દિવસે તમામ ડેલિગેટ્સે જાણીતા વેપારી સમુદાય અને રાજનેતાઓ સાથે ચર્ચા કરી હતી. વેપારીએ ડેલિગેટ્સને જણાવ્યું કે અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા પછી તેમને મોટું નુકસાન થયું છે પણ રાજયના વિકાસ અંગે સરકારના વાયદા પર તેમને વિશ્વાસ છે. ઘણા વેપારીઓએ જણાવ્યું કે, તેઓ ઈચ્છે છે કે સરકાર રાજયમાં રોકાણને પ્રોત્સાહિત કરે.

ડેલિગેટ્સને પહેલા દિવસ ઘાટીમાં વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. ઘણા યુવાનોએ કહ્યું કે, અમારી જરૂરિયાત રોજગાર છે. વિપક્ષી નેતા અને લોકો સવાલ ઉઠાવે કે શું પાકિસ્તનના જુઠ્ઠાણાને ખતમ કરવા માટે આટલો પ્રયાસ પૂરતો છે? આ પહેલા તેમણે શ્રીનગરમાં શિકારોમાં બેસીને ડાલ સરોવરની મુલાકાત પણ કરી હતી. પ્રતિનિધિમંડળમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઉજબેકિસ્તાન, યુંગાડા, સ્લોવાક રિપબ્લિક, નેધરલેન્ડ, નામીબિયા, કિર્ગિજ રિપબ્લિક, બુલ્ગારિયા, જર્મની, તાજિકિસ્તાન, ફ્રાન્સ, મેકિસકો, ડેનમાર્ક, ઈટલી, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ, પોલેન્ડ અને રવાંડાના પ્રતિનિધિ સામેલ છે.વિદેશી ડેલિગેટ્સના પ્રવાસ અંગે પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીની દીકરી ઈલ્તિજા મુફ્તીએ કહ્યું કે, તેમને આશા છે કે વિદેશી ડેલિગેટ્સ અધિકારીઓને ઈન્ટરનેટ પર પ્રતિબંધ અને લોક સુરક્ષા અધિનિયમ(પીએસએ) હેઠળ બંધ રાજનેતાઓ વિશે પણ પ્રશ્નોત્તરી કરશે. ઈલ્તિજાએ ટ્વીટ કરીને કહ્યું કે, પંચ ઓગસ્ટથી ઈન્ટરનેટ પર પ્રતિબંધ અંગે વિદેશી ડેલિગેટ્સ ભારત સરકારને સવાલ કરશે. ૫ ઓગસ્ટે જ જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રતિનિધિમંડળમાં સામેલ અફઘાનિસ્તાન તાહિર કાદરીએ પ્રવાસ અંગે ઘણા ટ્વીટ કર્યા અને કાશ્મીરની સ્થિતિ પર ખુશી વ્યકત કરી હતી. એરપોર્ટથી હોટ જતી વખતે તેમણે એ વાતની ખબર પડી કે શહેરમાં શાળા અને દુકાનો ખુલી ગઈ છે. દેશમાં ૮૦ટકા સફરજન અહીંયાથી જ આવે છે અને આ રાજયમાં વેપારની શકયતાઓ છે.  પ્રતિનિધિમંડળને બારામુલા, શ્રીનગર અને જમ્મુમાં જવાનું હતું. પરંતુ તે બારામૂલા નથી ગયા. ડેલિગેશને શ્રીનગર ખાતે આવેલી તેની હોટલમાં જ દ્યણા લોકો સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત રાજનેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. ડેલિગેટ્સે નજરકેદ કરાયેલા મુખ્યમંત્રીઓને છોડવાની માંગ કરી અને લથડતી પરિસ્થિતિ ઝડપથી સુધારવાની પણ માંગ કરી હતી.

(4:13 pm IST)