Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

હવે રેલવે તમારૃં લગેજ ઘરથી ટ્રેન સુધી પહોંચાડી દેશે

IRCTC પ્રવાસીના લગેજને ઘરેથી કલેકટ કરી ટ્રેન સુધી અને ગંતવ્ય સ્થળે પહોંચાડવાની સુવિધા આપશે

નવી દિલ્હી તા. ૧૩: તેજસ એકસપ્રેસને સાંપડેલા સારા પ્રતિસાદ બાદ હવે આઇઆરસીટીસીએ એક નવા સેગ્મેન્ટમાં ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. હમસફર એકસપ્રેસની પેટર્ન પર ઇન્દોરથી વારાણસી રૂટ પર માત્ર થ્રી એસી કોચની ટ્રેન ચલાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે આ ટ્રેનના પ્રવાસીઓને એક ખાસ સુવિધા આપવા વિચારણા કરી રહી છે.

અત્યાર સુધી ટ્રેનના પ્રવાસીઓને પોતાનું લગેજ જાતે રેલવે સ્ટેશન સુધી લાવવું પડે છે, પરંતુ હવે જો તમે એડ્વાન્સ ટિકિટ બુક કરાવશો અને ટિકિટ કન્ફર્મ હશે તો રેલવે તમારા ઘરથી તમારૃં લગેજ કલેકટ કરી ટ્રેનમાં તમારી સીટ સુધી પહોંચાડી દેશે. એ જ રીતે તમે જયાં જવાના હો ત્યાં ટ્રેન પહોંચવા પર સ્ટેશનથી તમારૃં લગેજ તમારા ઘર કે હોટલ સુધી પહોંચાડવાની જવાબદારી રેલવેની રહેશે. રેલવે તરફથી નજીવા ચાર્જમાં આ સુવિધા મળશે.

હવે તેજસ એકસપ્રેસમાં વધુ લગેજ માટે એકસ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે. મુંબઇ-અમદાવાદ તેજસ એકસપ્રેસને ઓપરેટ કરનાર આઇઆરસીટીસીએ લગેજના નિયમોનો કડક અમલ કરવા નિર્ણય કર્યો છે અને નિયત મર્યાદા કરતાં વધુ લગેજ લઇ જવા પર એકસ્ટ્રા ચાર્જ વસૂલાશે.

(4:13 pm IST)