Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

આગ્રા-લખનઉ એકસપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે ટક્કરઃ ૧૪ લોકોનાં મોતઃ૩૧ ઘાયલ

ડ્રાઇવર ટ્રકનું પંચર કરાવી રહ્યો હતો ત્યારે પાછળથી બસે જોરદાર ટક્કર મારતાં બસનો આગળનો ભાગ ઊડી ગયો

ફિરોજાબાદ, તા.૧૧: ઉત્તર પ્રદેશના ફિરોજાબાદમાં આગ્રા-લખનઉ એકસપ્રેસ-વે પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક સ્લીપર બસ બુધવાર મોડી રાત્રે ટ્રક સાથે ટકરાઈ ગઈ. આ દુર્ઘટનામાં ૧૪ લોકોનાં મોત થયા છે, જયારે ૩૧ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સૈફઈ મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના ફિરોજાબાદ ઈટાવાની બોર્ડર પાસે આગ્રા-લખનઉ એકસપ્રેસ-વે પર રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી.

એસએસપી સચિન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર, બસમાં લગભગ ૪૦-૪૫ મુસાફરો સવાર હતા. દુર્દ્યટના એ સમયે ગઈ જયારે લખનઉ એકસપ્રેસ વે પર ડ્રાઇવર ટ્રકનું પંચર કરાવી રહ્યો હતો, ત્યારે પાછળથી બસે જોરદાર ટક્કર મારી દીધી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો હિસ્સો બિલકુલ ક્ષતિગ્રસ્ત થઈ ગયો.

સૈફઈ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડના મેડિકલ ઓફિસર ડો. વિશ્વ દિપકે જણાવ્યું કે, દુર્દ્યટના બાદ ઓછામાં ઓછા ૩૧ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે ૧૩ લોકોને મૃત અવસ્થામાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

મળતી જાણકારી મુજબ, મુસાફરોથી ભરેલી આ બસ દિલ્હીથી બિહાર જઈ રહી હતી. બસ જયારે ભદાન ગામની પાસે પહોંચી તો ડ્રાઇવરનું અચાનક સંતુલન બગડી ગયું અને હાઈવે પર ઊભેલી ટ્રક સાથે બસ ટકરાઈ ગઈ. ત્યારબાદ મુસાફરોમાં ચીસો અને બૂમો સંભળાવવા લાગી. ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક લોકોએ રાહત તથા બચાવ કાર્ય શરૂ કરી દીધું.

ટ્રકનું પંચર ઠીક કરાવી રહ્યો હતો ડ્રાઇવર બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ પોલીસ અને પ્રશાસન પણ ઘટના સ્થળે પહોંચી ગયું. મૃતકોની ઓળખ હજુ સુધી નથી થઈ શકી. દુર્ઘટનાગ્રસ્ત બસને જેસીબીથી હટાવવામાં આવી. ઘાયલોના પરિજનોને દુર્ઘટનાની જાણ કરવામાં આવી છે.

(10:09 am IST)