Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

બેંચમાર્ક ઇન્ડેક્સ અંતે ફ્લેટ રહ્યો : મિડકેપમાં તીવ્ર કડાકો

સેંસેક્સ ૮ પોઇન્ટ સુધરી ૪૦૮૦૨ની સપાટીએ : ઉદાસીન કારોબારના કારણે રોકાણકારો રોકાણ કરવાથી દૂર રહ્યા : ભારતી એરટેલ અને રિલાયન્સ શેરમાં ઉછાળો

મુંબઈ, તા.૨ : શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર રહ્યો હતો. ઉથલપાથલ ભારે થઇ હતી પરંતુ અંતે ફ્લેટ કારોબાર રહ્યો હતો. કારોબારીઓ હાલમાં ઉદાસીન કારોબારમાં વધારે રોકાણ કરવા ઇચ્છુક નથી. ભારતી એરટેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જેવા ઇન્ડેક્સ હેવીવેઇટમાં ક્રમશઃ ચાર અને બે ટકાનો ઉછાળો રહ્યો હતો. બેંચમાર્ક સેંસેક્સ આજે કારોબારના અંતે આઠ પોઇન્ટ ઉછળીને ૪૦૮૦૨ની સપાટીએ રહ્યો હતો. ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો જ્યારે યશ બેંકના શેરમાં મોટો કડાકો બોલી ગયો હતો. સેંસેક્સ ઇન્ટ્રા ડે દરમિયાન ૪૧૦૯૩ની ઉંચી અને ૪૦૭૦૩ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૧૨૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી સુધી રહ્યો હતો અને અંતે ૮ પોઇન્ટ ઘટીને ૧૨૦૪૮ની નીચી સપાટીએ રહ્યો હતો.  નિફ્ટી ઓટો અને આઈટી ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ ઇન્ડેક્સમાં ૦.૨૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો.

        મિડકેપ ઇન્ડેક્સમાં ૧૧૭ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૯૬૮ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં બાવન પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૫૦૮ રહી હતી. ઓક્ટોબર મહિનામાં આઠ કોર સેક્ટરના આઉટપુટમાં ઘટાડો થતાં નિરાશા રહી હતી. કોલસાના ઉત્પાદનમાં ઓક્ટોબર મહિનામાં ૧૭.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. ક્રૂડ ઓઇલની કિંમતમાં ૫.૧ ટકાનો અને નેચરલ ગેસમાં ૫.૭ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યો છે. આવી જ રીતે સિમેન્ટના ઉત્પાદનમાં ૭.૭ ટકા, સ્ટીલમાં ૧.૬ ટકા અને ઇલેક્ટ્રીસિટીમાં ૧૨.૪ ટકા સુધીનો ઘટાડો ઓક્ટોબર મહિના દરમિયાન થઇ ચુક્યો છે. રિફાઈનરી પ્રોડક્ટના ઉત્પાદનમાં ગ્રોથ ઓક્ટોબર મહિનામાં ૦.૪ ટકા સુધી ઘટી ગયો છે. ગયા વર્ષે આજ ગાળામાં રિફાઈનરી પ્રોડક્ટમાં આઉટપુટ ગ્રોથનો આંકડો ૧.૩ ટકા રહ્યો હતો.

        આઠ કોર સેક્ટરમાં ઓક્ટોબર ૨૦૧૮માં ૪.૮ ટકા સુધીનો વધારો નોંધાયો છે.એપ્રિલ-ઓક્ટોબરના ગાળા કોર ઇન્ડસ્ટ્રી ગ્રોથ ૦.૨ ટકા ઘટીને એક વર્ષ અગાઉના ગાળામાં ૫.૪ ટકાની સામે હવે ૦.૨ ટકા રહ્યો છે. ૮ કોર સેક્ટર ઇન્ડસ્ટ્રીમાં આઉટપુટ સપ્ટેમ્બર મહિનામાં ૫.૧ ટકા સુધી ઘટી ગયો હતો. એક દશકમાં આ સૌથી નીચી સપાટી જોવા મળી હતી. વિદેશી મૂડીરોકાણકારોએ નવેમ્બર મહિનામાં સતત ત્રીજી વખત રોકાણકારોએ નાણા ઠાલવી દીધા છે. આ મહિનામાં નેટ આધાર પર ૨૨૮૭૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. એફપીઆઈ દ્વારા નવેમ્બરમાં ઇક્વિટીમાં ૨૫૨૩૦ કરોડ રૂપિયાની રકમ ઠાલવી દીધી છે. જો કે, ડેબ્ટના સેગ્મેન્ટમાંથી આ ગાળા દરમિયાન ૨૩૫૮.૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.

(7:54 pm IST)