Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

૨૦૨૪ની ચૂંટણી પહેલા તમામ ઘુસણખોરોને હાંકી કઢાશે : અમિત શાહ

ઝારખંડમાં ચૂંટણી પ્રચાર વેળા અમિત શાહે જાહેરાત કરી : વિરોધ પક્ષાના વિરોધ છતાં સરકાર મક્કમતાપૂર્વક આગળ વધશે અને દરેક ઘુસણખોરને ઓળખી કઢાશે : આતંકવાદ, મંદિર નિર્માણ મુદ્દા ખુબ મહત્વપૂર્ણ

ચક્રધારપુર, તા. ૨ : ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે એનઆરસી માટે ૨૦૨૪ની મહેતલ મુકી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, આ ગાળા સુધીમાં તમામ ઘુસણખોરોને હાંકી કાઢવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, તમામ ઘુસણખોરોને હાંકી કાઢવા માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે કટીબદ્ધ છે અને આ દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. દેશભરમાં એનઆરસીને લઇને જોરદાર વિભાજનની સ્થિતિ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી અને સરકાર આ દિશામાં આગળ વધવા માટે મક્કમ દેખાઈ રહી છે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, દરેક ઘુસણખોરને ઓળખી કાઢવામાં આવશે અને આગામી સામાન્ય ચૂંટણી પહેલા દેશની બહાર કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ભાજપના કેટલાક નેતાઓ દ્વારા હાલમાં જ યોજાયેલી પેટાચૂંટણીમાં પાર્ટીની કારમી હાર થયા બાદ એનઆરસીને લઇને દહેશત વ્યક્ત કરી હતી.

         પાર્ટીને નુકસાન થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હોવા છતાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રવ્યાપી કવાયત મજબૂતરીતે આગળ વધશે. ઝારખંડમાં ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે સ્પષ્ટરીતે કહ્યું હતું કે, વિરોધ પક્ષો ભલે હોબાળો મચાવી રહ્યા છે પરંતુ આ રાષ્ટ્રવ્યાપી કવાયત આગળ વધશે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ૨૦૨૪ની ચૂંટણી પહેલા દેશભરમાં એનઆરસી હાથ ધરવામાં આવશે. દરેક ઘુસણખોરને બહાર કરવામાં આવશે. રાહુલ ગાંધી કહી રહ્યા છે કે, તેમને હાંકી કાઢવામાં ન આવે. આ લોકો ક્યાં જશે, આ ઘુસણખોરો શું ખાશે પરંતુ તેઓ કહેવા માંગે છે કે, ૨૦૨૪ની ચૂંટણી પહેલા તમામ ગેરકાયદે ઘુસણખોરોને હાંકી કાઢવામાં આવશે.

        ચક્રધારપુર અને બહારાગોરા ખાતેની રેલીમાં અમિત શાહે આ મુજબની વાત કરી હતી. શાહે કહ્યું હતું કે, આતંકવાદ, નક્સલવાદ જેવા રાષ્ટ્રીય મુદ્દાઓને મક્કમતા સાથે હાથ ધરવામાં આવ્યા છે. આ તમામ મુદ્દાઓ તથા અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ વિકાસ જેવા સ્થાનિક મુદ્દાઓની જેમ જ ઝારખંડની ચૂંટણીમાં પણ એટલા જ મહત્વપૂર્ણ રહેલા છે. રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદને ઉઠાવતા અમિત શાહે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણીને રોકવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસના નેતાઓ સુપ્રીમ કોર્ટમાં કહી રહ્યા હતા કે, રામ જન્મભૂમિ કેસની સુનાવણીની કોઇ જરૂર નથી.

        અમિત શાહે જેએમએમ અને કોંગ્રેસ-આરજેડી ગઠબંધન ઉપર પણ પ્રહારો કર્યા હતા. માઓવાદી દૂષણને દૂર કરવામાં સરકારની ભૂમિકા રહેલી છે. વિકાસની ગંગા જેવા શબ્દનો ઉપયોગ અમિત શાહે કર્યો હતો. પાક વિમા સ્કીમથી ૨૦ લાખ ખેડૂતોને સીધો ફાયદો થયો છે. એમ્સનું નિર્માણ થયું છે. હવે બોકારો, ડુમકા અને જમશેદપુરમાં એરપોર્ટ બની રહ્યા છે.

(7:43 pm IST)