Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રામ મંદિર ટ્રસ્ટ બાબતે સંતોમાં વિવાદ

નવા ટ્રસ્ટમાં સામેલ થવા સંતોના એક બીજા પર આક્ષેપ

અયોધ્યા તા. રઃ રામ મંદિરની તરફેણમાં સુપ્રિમના ચુકાદા પછી રામ મંદિર માટે બનનાર ટ્રસ્ટ અને મોડેલ બાબતે નવો બખેડો ઉભો થયો છે. સુપ્રીમના ચુકાદા પછી સરકાર દ્વારા બનનાર નવા ટ્રસ્ટમાં સામેલ થવા માટે મોટા સંતો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ મુકી રહ્યા છે ત્યારે હવે વીએચપી દ્વારા તૈયાર કરવામાં આવેલ રામ મંદિર મોડલને શ્રી રામાલય ટ્રસ્ટે નકારીને વિશ્વનું સૌથી ઉંચુ સુવર્ણ મંદિર બનાવવાનો દાવો કર્યો છે.

શ્રી રામાલય ટ્રસ્ટના મંત્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું છે કે વર્ષો પછી રામ જન્મભૂમિ પર મંદિર બનાવવાનો અવસર આવ્યો છે. દેશના સર્વે સનાતન ધર્મીઓની ભાવના છે કે ત્યાં વિશ્વનું સૌથી ઉંચુ મંદિર બને. જેમાં દક્ષિણ અને ઉત્તરની શૈલીનું મિશ્રણ કરીને વાસ્તુ અને વિધાનશાસ્ત્ર અનુસાર ભવ્ય મંદિર બને. જેનું શિખર ૧૦૦૮ ફુટ ઉંચુ અને સોનાનું હોવું જોઇએ. તેમણે જણાવ્યું કે વિહીપના મોડલને રદ નથી કરાયું પણ પ્લોટ મળ્યા પછી જ નકશો બનાવવાની વાત પહેલા જ થઇ હતી. પરંતુ ઉતાવળમાં જમીન મળ્યા પહેલા જ નકશો બનાવીને મંદિર મોડલ માટે પથ્થરો બનાવવાનું કાર્ય શરૂ કરી દેવાયું હતું. તેઓ પણ રામભકત છે એટલે તેમની સામે કોઇ હરીફાઇ અમે નથી ઇચ્છતા.

રામ મંદિર બાબતે ગૃહ પ્રધાન અમિત શાહનું પણ કહેવાનું હતું કે ગગનચૂંબી મંદિર બનશે. એટલે ૧૩૦ ફુટનું વિશ્વહિંદુ પરિષદનું મોડલ ગગનચૂંબી ન કહી શકાય.

દરમ્યાન અયોધ્યા પહોંચેલા જગદ્દગુરૂ વાસુદેવાનંદ સરસ્વતીએ શ્રી રામાલય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા દાવાઓને ખોટા ગણાવતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે ભારત સરકાર ટ્રસ્ટ બનાવશે અને તે ટ્રસ્ટ જ મંદિરનું નિર્માણ કરશે. તેના અનુસાર જ મંદિરનું નિર્માણ થોવું જોઇએ. તેમણે કહ્યું કે શ્રી રામલય ટ્રસ્ટ એક વ્યકિતગત સંસ્થા છે. તેને હિંદુ સમાજ સાથે કોઇ સંબંધ નથી. તે એક રાજકીય સંસ્થા છે.

(3:40 pm IST)