Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મુસ્લિમ સમુદાયમાં હલાલા અને બહુવિવાહને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણીનો સુપ્રિમકોર્ટનો ઈન્કાર

શિયાળાની રજા બાદ આ મામલો જોઈશું:સુપ્રીમ કોર્ટે બંધારણિય બેંચને મોકલી દીધો

નવી દિલ્હી : મુસ્લિમ સમુદાયમાં હલાલા અને બહુવિવાહ પ્રથા વિરૂદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઈન્કાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેની આગેવાનીવાળી બેંચે કહ્યું કે અમે શિયાળાની રજા બાદ આ મામલો જોઈશું. આ મામલો સુપ્રીમ કોર્ટે બંધારણિય બેંચને મોકલી દીધો છે.

   ભાજપના નેતા અને વ્યવસાયે વકીલ અશ્વિની ઉપાધ્યાયે આ મુદ્દે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. અરજીમાં હલાલા અને બહુવિવાહને રેપ જેવા ગુના જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જ્યારે બહુવિવાહને ગંભીર ગુનો ગણવામાં આવે તેવી માંગ કરાઈ છે. 

   જો હાલનાં મુસ્લિમ પર્સનલ લૉની જોગવાઈને જોઈએ તો તેના મુજબ, જો કોઈ મુસ્લિમ મહિલાનાં તલાક થઈ ચૂક્યા છે અને તે મહિલા ફરીથી તે પતિ સાથે ફરી નિકાહ કરવા માંગે છે. તો તેણે પહેલાં કોઈ અન્ય વ્યક્તિની સાથે લગ્ન કરીને એક રાત વિતાવી પડે છે. તેને નિકાહ હલાલા કહે છે.

    ભાજપના નેતા અને વ્યવસાયે વકીલ અશ્વિની ઉપાધ્યાયે બહુવિવાહ, નિકાહ હલાલા,નિકાહ મુતાહ(શિયાઓની વચ્ચે અસ્થાયી વિવાહ) અને નિકાહ મિસ્યાર(સુન્નીઓની વચ્ચે અલ્પકાલિક વિવાહ)ની પ્રથાને પડકારતા તેમની અરજી પર જલ્દીથી સુનાવણી કરવાની માંગ કરતાં કહ્યુ છેકે, આ સંવિધાનના આર્ટિકલ 14,15 અને 21નું ઉલ્લંઘન કરે છે.

(1:14 pm IST)