Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

પાકિસ્તાને શ્રીશ્રી રવિશંકરને આમંત્રિત કર્યાઃ આવતીકાલે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન

ભાજપ સાંસદ સની દેઓલ પણ કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે

નવી દિલ્હી તા. ૮ :.. પાકિસ્તાને આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરને કરતારપુર સાહિબ કોરિડોરના ઉદઘાટન સમારોહ માટે આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાન સરકાર દ્વારા કરતારપુર સાહિબના ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે શ્રી શ્રીને આમંત્રણ અપાયું છે. ઉલ્લેખનીય કે, કરતારપુર કોરિડોર આવતીકાલે (૯ નવેમ્બરે) ખુલ્લો મુકાશે.

આ અગાઉ શ્રી કરતારપુર સાહિબ કોરિડોરને લઇને વિવાદમાં રહેલા પૂર્વ કેબિનેટ પ્રધાન નવજોત સિંહ સિધ્ધુ પાકિસ્તાન જવા માટે એ હદે આતુર બન્યા છે કે તેમણે ગઇકાલે વિદેશ મંત્રાલયને ત્રીજો પત્ર લખ્યો હતો. વિદેશ મંત્રાલય દ્વારા તેમને પાકિસ્તાન જવા દેવાની મંજૂરી ન અપાઇ હોવને કારણે સિધ્ધુએ આ પગલું ભર્યુ હતું. જો કે મોડી રાત્રે સિધ્ધુને કરતારપુર કોરિડોરના રસ્તે પાકિસ્તાન જવાની શરતી મંજૂરી આપવામાં આવી છે.

આ દરમિયાન ફિલ્મ અભિનેતા અને ગુરૂદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલ પણ કોરિડોરના રસ્તે પાકિસ્તાનના શ્રી કરતારપુર સાહિબના દર્શન માટે જવાના છે. સાંસદ સની દેઓલે કહયું હતું કે, કરતારપુર કોરિડોર લોકો માટે ખોલવો એ ઐતિહાસિક પગલું છે.

સની દેઓલે વધુમાં કહ્યું હતું કે, તેઓ કરતાપુર કોરિડોરના ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે. તેમણે કહયું કે, સમારંભ માટે મંચ એક બને કે બે તેનાથી કોઇ ફરક પડતો નથી. શ્રધ્ધાની ભાવના હોવી જોઇએ. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના કથિત ષડયંત્ર અંગે તેમણે કહયું હતું કે, આ અંગે તેમને કંઇ જ ખબર નથી, દેશની સુરક્ષા એજન્સીઓ તે વિશે વધુ સારી રીતે જાણતી હશે.

(3:48 pm IST)