Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

જો ભાજપ-શિવસેના વચ્ચે સમાધાન ન થાય તો રાજયપાલ પાસે છે ૪ વિકલ્પ

મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત કાલે પુરી થાય છે

મુંબઈ, તા.૮: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર રચવામાં ભારે ખેંચતાણનો કોઈ અંત આવતો દેખાતો નથી. જેના કારણે નવી સરકારને લઇને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. શનિવારે હાલની વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. તેવામાં હવે સવાલ ઉભા થઈ રહ્યા છે કે જો ભાજપ અને તેના સહયોગી શિવસેના વચ્ચેના મતભેદ ઉકેલાશે નહીં તો આ સ્થિતિમાં મહારાષ્ટ્રમાં શું થશે? રાજયપાલ બી.એસ. કોશ્યારી પાસે કયા વિકલ્પ બાકી રહેશે અને બંધારણની જોગવાઈ મુજબ કયા પગલા ભરવામાં આવી શકે છે. આ અંગે બંધારણના નિષ્ણાંત સુભાષ કશ્યપે જણાવ્યું કે આવી સ્થિતિમાં રાજયપાલ પાસે ૪ વિકલ્પ બાકી રહેશે.

૧) જયાં સુધી નવા CM શપથ ગ્રહણ નથી કરતા ત્યાં સુધી રાજયપાલ હાલના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કામ કરવા માટે કહી શકે છે. કેમ કે જરુરી નથી કે મુખ્યમંત્રીનો કાર્યકાળ વિધાનસભા પૂર્ણ થતા પૂરો થઈ જાય.

૨) રાજયપાલ ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલ રાજકીય પાર્ટીના નેતાને CM તરીકે નિયુકત કરી શકે છે. જેથી આ નવા CMએ સદનમાં નિશ્યિત દિવસોની અંદર બહુમત સાબિત કરવો પડી શકે છે. પછી ભલે ફલોર ટેસ્ટમાં તે ફેલ થઈ જાય.

૩) રાજયપાલ ધારસભ્યોને વિધાનસભાના ફલોર પર પોતાના નેતાની વરણી કરવા માટે કહી શકે છે. જો કોઈ વિવાદ થાય તો તેના માટે બેલેટ પેપર્સનો ઉપયોગ પણ કરી શકાય છે. મહત્વનું છે કે ૧૯૯૮માં સુપ્રીમ કોર્ટે ઉત્ત્।રપ્રદેશ વિધાનસભાના નવા CM જગદંબિકા પાલ અને દૂર કરવામાં આવેલ CM કલ્યાણ સિંહ વચ્ચે નિર્ણય લેવા માટે આ રીતે વોટિંગ કરવા જણાવ્યું હતું.

૪) જો કોઈપણ પક્ષ સરકાર રચવા માટે પૂરતું સંખ્યાબળ સાબિત કરી શકે નહીં અને પહેલા ત્રણેય વિકલ્પ નિષ્ફળ જશે તો રાજયની સુચારુ વ્યવસ્થા માટે રાજયપાલ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે ૨૮૮ બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ભાજપને ૧૦૫, શિવેસેનાને ૫૬, NCP ને ૫૪ અને કોંગ્રેસને ૪૪ બેઠકો મળી છે. આ સ્થિતિમાં કોઈપણ પક્ષ એકલા હાથ સરકાર રચવા સમર્થ નથી. જયારે ભાજપ અને શિવસેના ૫૦-૫૦ના મુદ્દે એકબીજા સાથે સમાધાન કરવા તૈયાર નથી.

(11:41 am IST)